ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય, આજે 5 જિલ્લામાં રેડ અને 3માં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ તરફથી પાંચ જિલ્લામાં અત્યંત ભારે અને ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 જુલાઈ આવી ગઈ હોવા છતા રાજ્યના 8 તાલુકા એવા છે કે જ્યાં હજી વરસાદ પડ્યો જ નથી. જેમાં 6 તાલુકા કચ્છ જિલ્લાના છે. સોમવારે રાજ્યમાં 160થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડના વાપીમાં સાડા સાત ઈંચ, સુરત શહેરમાં 5 અને કામરેજમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા શહેરીજનો પરેશાન જોવા મળ્યા હતા.

ગુજરાત પર 5 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય

હવમાન વિભાગ મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન અને લો પ્રેશર (ડિપ્રેશન) સહિતની 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ્સની સંયુક્ત અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.

7 જુલાઈ (મંગળવાર) વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે. મધ્ય ગુજરાતના વડોદરામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે.

268માંથી આ 8 તાલુકા હજીપણ કોરાધાકોડ

ગુજરાતમાં સિઝનનો 17 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. 268માંથી 260 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ, કચ્છ જિલ્લાના અબડાસા,ભચાઉ, ગાંધીધામ,લખપત, માંડવી,મુન્દ્રા, નખત્રાણા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં વરસાદ પડ્યો નથી.