વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને પાઠવ્યા ભાવસભર નમન, વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

રાજપીપળા: અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કેવડિયા (એકતાનગર) ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર પહોંચીને સરદાર સાહેબને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ અવસરે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરો દ્વારા વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમા પર ફૂલ વર્ષા કરવામાં આવી હતી, જેણે વાતાવરણને વધુ દેશભક્તિમય બનાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા પર્વ અંતર્ગત કેવડિયા ખાતે દેશની વિવિધતા, સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતા વિશેષ કાર્યક્રમો અને ઉત્સવોમાં સહભાગી થઈને નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ દ્રઢ કરવા પર ભાર મૂક્યો હતો.આ ભવ્ય રાષ્ટ્રીય ઉજવણીમાં દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ અને અગ્રણીઓ જોડાયા હતા, જ્યારે સુરક્ષા દળો અને ગુજરાત પોલીસ દ્વારા આયોજિત પરેડ તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો અદ્ભુત સંદેશો આપ્યો હતો.