બોલિવૂડના ઇતિહાસમાં જ્યારે પણ ક્રાંતિકારી રોમેન્ટિક ફિલ્મોની વાત આવે ત્યારે વર્ષ 1957માં રિલીઝ થયેલી ‘તુમસા નહીં દેખા’
(Tumsa Nahin Dekha)નું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ એ જ આઇકોનિક ફિલ્મ છે, જેણે શમ્મી કપૂરને ફ્લોપ અભિનેતામાંથી રાતોરાત સિનેમાના મોસ્ટ વોન્ટેડ ‘રેબેલ સ્ટાર’ બનાવી દીધા હતા.
આ ફિલ્મ બનવા પાછળ એટલા બધા અણધાર્યા વળાંકો, રસપ્રદ કિસ્સાઓ અને બોલિવૂડના રાજકારણ સાથે જોડાયેલાં નાટકો છે કે જો તેના પર કોઈ કહાની લખવામાં આવે તો તે પોતે જ એક સુપરહિટ મસાલા ફિલ્મ બની જાય!
સૌથી રસપ્રદ વાત તો એ છે કે આખી વાર્તાની શરૂઆત એક ખૂબ જ મજેદાર શરતથી થઈ હતી.
ફિલ્મ નિર્માણ કંપની ‘ફિલ્મિસ્તાન’ના ફાઇનાન્સર અને પ્રોડ્યુસર તોલારામ જાલાને નવી ફિલ્મ બનાવવાની લીલી ઝંડી તો આપી, પણ સાથે એક શરત મૂકી કે હિરોઇન તરીકે માત્ર અમીતાને જ લેવામાં આવશે, કારણ કે તેમણે અમીતાને મુખ્ય ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું.

બીજી તરફ, દિગ્દર્શક નાસિર હુસૈને આખી સ્ક્રિપ્ટ તે સમયના સુપરસ્ટાર દેવ આનંદને ધ્યાનમાં રાખીને લખી હતી. નાસિર હુસૈન જ્યારે ફિલ્મની ભૂમિકા લઈને દેવ આનંદ પાસે ગયા ત્યારે દેવ આનંદે સ્પષ્ટ કહી દીધું કે તેઓ તે સમયે નવી કે બહુ જાણીતી ન હોય તેવી હિરોઇન અમીતા સાથે જોડી બનાવવા તૈયાર નથી! તોલારામ પોતાની શરત પર મક્કમ હતા અને દેવ આનંદ પોતાના સ્ટેટસ પર. પરિણામે, દેવ આનંદે આ ફિલ્મ છોડી દીધી.
દેવ આનંદના આ ઇનકારે બોલિવૂડને એક નવો જ ઇતિહાસ રચવાની તક આપી દીધી. જો તેમણે ના પાડી ન હોત તો કદાચ શમ્મી કપૂરની લોકપ્રિય સ્ટાઇલ ક્યારેય દુનિયા સામે આવી જ ન હોત! જ્યારે નિર્માતાઓએ આ ફિલ્મ માટે શમ્મી કપૂરના નામ પર વિચાર કર્યો ત્યારે નાસિર હુસૈન પોતે આ નિર્ણયથી બિલકુલ ખુશ નહોતા. તેમનું સ્પષ્ટ માનવું હતું કે શમ્મીની પોતાની કોઈ આગવી સ્ટાઇલ નથી અને તેઓ માત્ર પોતાના મોટા ભાઈ રાજ કપૂરની નકલ કરે છે. પરંતુ મજબૂરીવશ જ્યારે શમ્મી કપૂરને આ ફિલ્મમાં લેવામાં આવ્યા ત્યારે તેમણે પોતાની કારકિર્દીનો સૌથી મોટો જુગાર રમવાનું નક્કી કર્યું.
તેમની શરૂઆતની 19માંથી 18 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. એટલે તેમણે પૈસા બાજુ પર મૂકીને પોતાની છબી બદલવા પર ધ્યાન આપ્યું. આ લુક અને અંદાજ પાછળની સૌથી મોટી માસ્ટરમાઇન્ડ કોઈ ડિરેક્ટર કે સ્ટાઇલિસ્ટ નહીં, પણ શમ્મી કપૂરની પત્ની ગીતા બાલી હતાં.
ગીતા બાલીએ જ સૌથી પહેલાં સૂચન કર્યું કે તેમણે પોતાની જૂની મૂછો હટાવી દેવી જોઈએ અને કેમેરા સામે એકદમ બેફિકર, મસ્તીખોર અને ઊડતી જુલ્ફોવાળા રોમેન્ટિક યુવાન તરીકે ઊભરવું જોઈએ.

આ જ અંદાજે સિનેમાઘરોમાં ધમાકો મચાવી દીધો. પરંતુ આ સફળતા પાછળ આર્થિક સંઘર્ષની પણ એક અજબ કહાની હતી. શમ્મી કપૂરને આ ફિલ્મ માટે માત્ર વીસ હજાર રૂપિયા જ મહેનતાણું ઓફર કરવામાં આવ્યું હતું. જ્યારે શમ્મીએ આટલી ઓછી ફી સામે નારાજગી વ્યક્ત કરી ત્યારે નિર્માતાઓએ સ્પષ્ટ કહી દીધું કે જો નારાજ હોવ તો ફિલ્મ છોડી શકો છો. પણ શમ્મીના અંતરાત્માએ કહ્યું કે આ સ્ક્રિપ્ટ તેમની કિસ્મત બદલી નાખશે અને તેઓ સાવ ઓછા પૈસામાં પણ કામ કરવા રાજી થઈ ગયા.
ફિલ્મ રિલીઝ થયા બાદ દેશભરમાં સુપરહિટ સાબિત થઈ. અનેક નાની-મોટી અડચણો, અણધાર્યા નિર્ણયો અને મજેદાર કિસ્સાઓ વચ્ચે બનેલી ‘તુમસા નહીં દેખા’એ સાબિત કરી દીધું કે ક્યારેક નિરાશા અને અસ્વીકાર પણ સફળતાનો એવો શાનદાર રસ્તો ખોલી આપે છે, જે વર્ષો સુધી યાદ રાખવામાં આવે છે!




