રાજકોટના આંગણે ફૂલછાબ ના યજમાનપદે મોરારિબાપુની રામકથા, કાર્યાલય ખુલ્લું મુકાયું

રાજકોટ: નવા કેલેન્ડર વર્ષ 2027ના આરંભે જ શહેરના આંગણે મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું ભવ્ય આયોજન ફૂલછાબ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ અખબારના યજમાન પદે રાજકોટમાં પ્રથમ વખત મોરારિબાપુની કથા યોજાશે. 20 નવેમ્બરના રોજ શહેરના મેયર નેહલ શુક્લ દ્વારા રામકથાના આયોજન માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, જન્મભૂમિ અખબાર ગ્રુપ દ્વારા 9થી 17 જાન્યુઆરી દરમિયાન રેસકોર્સ મેદાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં રોજ 25000થી વધુ લોકો હાજરી આપશે તેવો અંદાજ છે. હજારો લોકો આ કથામાં ભોજન પ્રસાદ લેશે.ફૂલછબના તંત્રી જ્વલંત છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબાએ આયોજન અંગે પત્રકારોને જણાવ્યું હતું કે, રામકથા દરમિયાન સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે, ગ્રામ્ય વિસ્તારમાં AI જેવી આધુનિક ટેકનિકલ શિક્ષણ બાળકોને મળે તેવા હેતુસર વિદ્યાવૃક્ષ નામનો એક પ્રોજેક્ટ મોટી રકમના અનુદાન સાથે શરૂ કરવામાં આવશે. યુવાઓ સુધી મદદ પહોંચાડવાનો હેતુ છે. ઉપરાંત રાજકોટના રામકૃષ્ણ આશ્રમને પણ 100 વર્ષ પૂર્ણ થતા હોય તેઓ પણ ફૂલછાબ આયોજિત રામકથામાં આધ્યાત્મિક સહયોગ સાથે જોડાયા છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસ્વીર – નિશુ કાચા)