PM મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. PM મોદીએ આજે રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપી હતી. PM મોદીએ હીરાસર ઈન્ટરનેશનલ એયરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટમાં કુલ 2033 કરોડના વિકાસ કામનું લોકાર્પણ કર્યા હતા. તો સાથે સાથે વડાપ્રધાન મોદી સૌની યોજનાના લિંક-3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ પણ કરશે. જેનાથી 1 લાખ લોકોને નર્મદાના પાણીનો લાભ મળશે. આ યોજનાથી 52 હજાર એકર વિસ્તારને સિંચાઈનું પાણી મળશે.

 

રાજકોટના રેસકોર્સમાં ચાર ડોમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્રના ધારાસભ્યો,સાંસદો રાજ્ય સરકારના મંત્રીઓ ઉદ્યોગપતિઓ વેપાર જગતના અલગ અલગ સંગઠનના આગેવાનો અહીં ઉપસ્થિત છે. રાજકોટ મહાનગરપાલિકાના કેકેવી એલીવેટેડ બ્રિજનું લોકાર્પણ પીએમ મોદી કરશે. લોકાર્પણ સાથે જ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ લાઇબ્રેરી અને સુએજ પ્લાન્ટને પણ પ્રધાનમંત્રી ખુલ્લો મુકશે.

તો બીજી તરફ વડાપ્રધના નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગરની મુલાકાત લેશે. જ્યાં તેઓ સેમિકૉન ઇન્ડિયા 2023નું પણ ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે, 28મી જુલાઇએ ગાંધીનગર ખાતે ‘સેમિકૉન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન પણ કરવામાં આવશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ફૉક્સકૉન, માઇક્રૉન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રૉઇલેક્ટ્રૉનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નૉલોજીસ, ઇન્ફીનિયૉન ટેક્નૉલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.