VIDEO: PMએ પટના સાહિબ ગુરૂદ્વારામાં રોટલી બનાવી, લંગરમાં સેવા આપી

બિહાર: પીએમ મોદી બે દિવસ માટે બિહારના પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓ પટના પહોંચ્યા હતા. જ્યાં તેઓ પટના સાહિબ ગુરુદ્વારામાં શીખ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ દરબાર સાહિબમાં દર્શન કરીને જાતે રોટલી બનાવી હતી. લંગરમાં ભોજન પીરસીને પટના સાહિબ ગુરુદ્વારામાં સેવા પણ કરી હતી.  

ગુરુદ્વારામાં PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મસ્થળ તરીકે તખ્ત શ્રી હરમંદિરજી પટના સાહિબ ઓળખાય છે. પ્રસાદ લીધા બાદ વડાપ્રધાનનો એક અલગ જ અંદાજ  જોવા મળ્યો હતો.

   તખ્ત શ્રી પટના સાહિબને તખ્ત શ્રી હરમંદિરજીને પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિહારની રાજધાની પટનામાં સ્થિત શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. તખ્તનું નિર્માણ 18મી સદીમાં મહારાજા રણજીત સિંહ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના જન્મસ્થળને ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યું હતું. શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહનો જન્મ 1666માં પટનામાં થયો હતો. તેમણે આનંદપુર સાહિબ જતા પહેલા તેમના શરૂઆતના વર્ષો અહીં વિતાવ્યા હતા.