નવી દિલ્હીઃ ભારતની યજમાની હેઠળ 18મી બ્રિક્સ સમિટની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદીનું સંબોધન શરૂ થઈ ગયું છે. પીએમ મોદીએ તમામ નેતાઓનું સ્વાગત કર્યું છે. નવી દિલ્હીના ભારત મંડપમમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો એકઠા થયા છે. આ આયોજન 12 અને 13 સપ્ટેમ્બરે યોજાઈ રહ્યું છે. બ્રિક્સ શિખર સંમેલન દ્વારા ભારતે દુનિયામાં પોતાની કૂટનીતિક તાકાતનો ફરી એક વાર પરચો આપ્યો છે. આ સમિટના સ્વાગત સંબોધનમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું હતું કે UNSCમાં સુધારા હવે વધુ ટાળી શકાય નહીં.

વાસ્તવમાં, ભારત મંડપમમાં બ્રિક્સના સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યા બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની મોટી માગ ઉઠાવી હતી. પ્રતિનિધિત્વની વાત કરતાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુએન સુરક્ષા પરિષદમાં સુધારા હવે વધુ ટાળી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે નિશ્ચિત સમયમર્યાદામાં નવા દેશોને જોડવા પડશે. એ સાથે જ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં પ્રમાણસર ભાગીદારી વધારવી પડશે, મતાધિકારની શક્તિ વધારવી પડશે અને વૈશ્વિક શાસનમાં પણ સુધારા કરવા પડશે.
18મા બ્રિક્સ શિખર સંમેલન 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે ગ્લોબલ સાઉથ વૈશ્વિક સંગઠનોમાં તો આગળની હરોળમાં છે, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં હજુ પણ પાછળની હરોળમાં જ રહે છે. આપણે ‘વિશેષાધિકારના પિરામિડ’ને ‘ભાગીદારીના મંચ’માં બદલવો પડશે. જ્યાં દરેક દેશનો અવાજ સાંભળવામાં આવે, દરેક સભ્યની ભાગીદારી હોય અને દરેક પ્રયાસના કેન્દ્રમાં માનવતાની પ્રગતિ હોય. આ માટે મારો પ્રસ્તાવ છે કે આપણે સાથે મળીને વૈશ્વિક શાસનમાં સુધારા માટે 10 પ્રસ્તાવ તૈયાર કરીએ, જેને આગામી શિખર સંમેલન સુધી ‘બ્રિક્સ સુધારા રોડમેપ’નું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી શકીએ.” પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે આ રોડમેપ તૈયાર કરતી વખતે આપણે ત્રણ મુખ્ય સ્તંભો પર ધ્યાન આપવું પડશે: પ્રતિનિધિત્વ, જવાબદારી અને નિયમોનું નિર્માણ.
𝐏𝐌 𝐌𝐨𝐝𝐢 𝐀𝐝𝐝𝐫𝐞𝐬𝐬𝐞𝐬 𝐁𝐑𝐈𝐂𝐒 𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐬 𝐚𝐭 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐌𝐚𝐧𝐝𝐚𝐩𝐚𝐦
” Reforms in the UN Security Council can no longer be delayed.
On this matter, text-based negotiations must be linked to a definitive timeline and clear, tangible outcomes.… pic.twitter.com/YGObccDc0N
— All India Radio News (@airnewsalerts) September 12, 2026
પ્રતિનિધિત્વ અંગે તેમણે કહ્યું હતું કે સૌથી પહેલા, હું કહેવા માગું છું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારામાં હવે વધુ વિલંબ કરી શકાય નહીં. આ મામલે લેખિત વાટાઘાટોને નિશ્ચિત સમયમર્યાદા અને સ્પષ્ટ તથા નક્કર પરિણામો સાથે જોડવી જોઈએ. તેવી જ રીતે, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં મતાધિકાર, નેતૃત્વના હોદ્દા અને નીતિગત પ્રાથમિકતાઓ આજની આર્થિક વાસ્તવિકતા અનુસાર હોવી જોઈએ.
આગામી 20 વર્ષ માટે નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ
પીએમ મોદીએ BRICS નેતાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે વૈશ્વિક મંચ પર આપણા કામને નક્કર પરિણામોમાં બદલવું પડશે. આગામી 20 વર્ષ માટે આપણે નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવું પડશે. તેની શરૂઆત આપણે આપણી કામ કરવાની રીતથી કરવી પડશે. BRICSની અધ્યક્ષતા દર વર્ષે બદલાય છે, પરંતુ તેને કારણે સંસ્થાગત ગતિ અટકવી જોઈએ નહીં. BRICS સમિટમાં આજે પીએમ મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન એકસાથે જોવા મળશે. ખાસ વાત એ છે કે BRICS સમિટ અંગે સંયુક્ત નિવેદન પણ જાહેર કરવામાં આવશે.




