પેટ્રોલ-ડીઝલની અછતની વાત માત્ર અફવા: CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ઈરાન-અમેરિકા-ઇઝરાયલના યુદ્ધમાં રોજ નવી વાતો સામે આવી રહી છે. જેમાં છેલ્લાં બે દિવસથી દેશમાં ઈંધણની અછત થવાની વાતો વહેતી થઈ છે. સોમવારે સમગ્ર રાજ્યના પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. સાથે જ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની વાત કરી હતી. તેમ છતાં જાણ કે લોકોને વિશ્વાસ ન હોય તેમ આજે પણ લાંબી લાઈનો લગાવીને ઉભા છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે લોકોને અપીલ કરી છે કે અફવાથી દૂર રહે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ અછત નથી. લોકોએ ગભરાઈને સંગ્રહખોરી કરવાની કે પેટ્રોલ પંપો પર લાંબી કતારો લગાવવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

“વૈશ્વિક સ્તરે જે સંજોગો ઊભા થયા છે તેને કારણે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. નાગરિકોએ આવી પાયાવિહોણી વાતોથી દોરવવું જોઈએ નહીં. ઘણીવાર અફવાઓને કારણે લોકોમાં ‘પેનિક બાયિંગ’ (ગભરાટમાં ખરીદી) વધે છે, જેનાથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થતી હોય છે.” મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આવી કોઈ ગંભીર સ્થિતિ ગુજરાતમાં નથી.
પુરવઠો અવિરત રહેશે: સરકારની બાજ નજર
ઇંધણના પુરવઠા અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે આ વૈશ્વિક પડકારોનો સામનો કરી રહી છે. ગેસ સ્ટેશનો કે પેટ્રોલ પંપો પર ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠા શૃંખલા જાળવી રાખવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે. “બધાને બધું મળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે,” તેવા મક્કમ શબ્દોમાં મુખ્યમંત્રીએ જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ગુજરાત સરકાર કેન્દ્રીય મંત્રાલયો સાથે સતત સંપર્કમાં છે. જેથી કરીને રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાય નહીં તે માટે વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે.