આંબેડકર મુદ્દે વિપક્ષે આજે લોકસભામાં હંગામો કર્યો હતો. જે બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને આંબેડકરનું અપમાન ગણાવ્યું હતું. રાજ્યસભામાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો હતો, ત્યારબાદ રાજ્યસભાને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
‘કોંગ્રેસના લોકો આંબેડકરનું અપમાન સહન નહીં કરે’
બંધારણ પરની ચર્ચા દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણ પર કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, ‘ડૉ. બીઆર આંબેડકરજી બંધારણના નિર્માતા છે, તેમણે બંધારણ બનાવ્યું છે, આવી સ્થિતિમાં ગૃહમંત્રી અમિત શાહે જે રીતે અપમાનજનક ભાષામાં કહ્યું છે તે અક્ષમ્ય છે. કોંગ્રેસના લોકો ડો. બી.આર. આંબેડકરનું અપમાન સહન નહીં કરે.
શરદ પવાર વડાપ્રધાન મોદીને મળ્યા હતા
NCP (SP)ના નેતા શરદ પવાર બુધવારે ખેડૂતો સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ બેઠક સંસદ ભવનમાં થઈ હતી.
ખડગેનો આરોપ – અમિત શાહે બંધારણનું અપમાન કર્યું
બંધારણ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણ પર રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘તેમણે બાબા સાહેબ આંબેડકર અને બંધારણનું અપમાન કર્યું છે. તેમની મનુસ્મૃતિ અને આરએસએસની વિચારધારા સ્પષ્ટ કરે છે કે તેઓ બાબા સાહેબ આંબેડકરના બંધારણનું સન્માન કરવા માંગતા નથી. અમે તેની નિંદા કરીએ છીએ અને તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ… તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
‘કોંગ્રેસનો પર્દાફાશ’
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણ સામે વિપક્ષના વિરોધ પર, ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશની સામે સતત ખુલ્લી પડી રહી છે. ભીમ રાવ આંબેડકર આઝાદી બાદ પ્રથમ વખત સરકારમાં મંત્રી હતા. જ્યારે તેમણે દલિતોની વાત કરી તો જવાહરલાલ નેહરુએ તેમની અવગણના કરી. તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જ્યારે અમિત શાહે આ બધી વાતો કહી ત્યારે સમગ્ર દેશની સામે કોંગ્રેસનો ચહેરો ખુલ્લો પડી ગયો. આજે તેઓ (કોંગ્રેસ) દેશની જનતાને ગેરમાર્ગે દોરવા માટે રાજીનામું માંગવાની વાત કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેમના જીવનમાં ભીમરાવ આંબેડકરનું કેવી રીતે અપમાન કર્યું તે સામે આવ્યું છે.
રાહુલ-ખડગે વડાપ્રધાન મોદી અને અમિત શાહને મળ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી છે.