ફ્રાન્સ: પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય આયોજન થવાનું છે. ભવ્ય તૈયારીઓ વચ્ચે ભારત માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા. પેરિસ પેરાલિમ્પિક્સનું આયોજન ખાસ કરીને વિકલાંગ ખેલાડીઓ માટે કરવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ ભાગ લે છે. જો કે પેરિસ પેરાલિમ્પિક્સની શરૂઆત પહેલા જ ભારતને જોરદાર ઝટકો લાગ્યો છે.
નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયેલા મધ્ય પ્રદેશના ત્રણ નામાંકિત ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગયા છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ એથ્લેટ્સમાં પેરા કેનો પ્લેયર રજની ઝા, એકેડેમીની સ્ટાર એથ્લેટ શાલિની અને અન્ય પેરા કેનો પ્લેયર ગજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. નાડાના રિપોર્ટમાં આ ખેલાડીઓના ડોપિંગના મામલા સામે આવ્યા છે.ડોપ ટેસ્ટમાં ફેલ થનાર 22 વર્ષીય શાલિનીએ રાંચીમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. શાલિની મેટાન્ડિએનોન મેટાબોલાઇટ માટે પોઝિટિવ મળી આવી હતી. તે વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી દ્વારા પ્રતિબંધિત પદાર્થ છે. જ્યારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ક્વોલિફાય કરનાર 34 વર્ષીય રજની ઝા અને એશિયન ગેમ્સમાં પેરા કેનોઇ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગજેન્દ્ર સિંહ પણ તેમાં સામેલ છે. રજની મિથાઈલ ટેસ્ટોસ્ટેરોન મેટોબોલાઈટ્સ ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે ગજેન્દ્ર સિંહ નોરેન્ડ્રોસ્ટેરોન માટે પોઝિટિવ આવ્યા છે. આ બંને પણ પ્રતિબંધિત પદાર્થો છે.