અમદાવાદ: ગુજરાત સુપર લીગ (GSL)એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા. GSL ટુર્નામેન્ટમાં છ ટીમ ભાગ લેવાની છે. અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, સુરત સ્ટ્રાઇકર્સ, વડોદરા વોરિયર્સ.
પરિમલ નાથવાણીએ આ પ્રસંગે કહ્યું કે, “ રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. GSLમાં હાલ છ ટીમ છે પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં અમે ટીમની સંખ્યા વધારીને 12 સુધી લઇ જવાનું આયોજન ધરાવીએ છીએ.”
GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. GSLથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝરનો લાભ મળશે. એપ્રિલ 15, 2024થી IIT, PDEU અને GFC ના મેદાન આ છ ટીમના પ્રેક્ટિસ સેશન યોજાશે. GSL ટુર્નામેન્ટ 1લી મે થી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાવાની છે. ફાઇનલ 12મી મે 2024ના રોજ રમાશે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમ 12મી મે 2024ના રોજ સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રમશે.