પાકિસ્તાની સાંસદે PM શાહબાઝને પાર્લમેન્ટમાં ‘ગીધડ’ કહ્યા, જુઓ વિડિયો…

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સંસદનો વધુ એક વિડિયો સામે આવ્યો છે, જેમાં ત્યાંના એક સાંસદે શહબાઝ શરીફને બુજદિલ ગણાવ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ પર જ પાકિસ્તાની સાંસદે કડક પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાની સાંસદ શાહિદ અહમદે શહબાઝ શરીફને ગીધડ પણ કહી દીધા. તેમણે કહ્યું હતું કે શહબાઝ શરીફ PM મોદીનું નામ લેવા પણ ડરે છે.

તેમણે કહ્યું હતું  મને ટીપુ સુલતાનનું એક કથન યાદ આવે છે કે જો સિંહોની સેના હોય અને તેનો નેતા ગીધડ હોય, તો એ લડી શકતી નથી, એ યુદ્ધ હારી જાય છે. સરહદ પર ઊભેલા આપણા સૈનિકો અપેક્ષા રાખે છે કે અમારું રાજકારણ દિલેરીથી સામનો કરશે, પરંતુ જ્યારે તમારો વડા પ્રધાન, તમારો નેતા જ બુજદિલ હોય, તો તમે સરહદ પર લડતા જવાનને શો સંદેશ આપો છો?

પાકિસ્તાનના PMએ ગઈ કાલે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતે આજના હુમલાની કિંમત ચૂકવવી પડશે. 26 નાગરિકો માર્યા ગયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. અમે પાકિસ્તાની લોહીના એક-એક ટીપાંનો બદલો લઈશું.

જોકે પાકિસ્તાની લોકો તેમના ભાષણથી બહુ ખુશ નહોતા. સોશિયલ મિડિયા પર યુઝર્સ તેમના ભાષણની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે  PM શાહબાઝ આત્મવિશ્વાસથી નબળા દેખાઈ રહ્યા છે, આ સારું નથી દેખાઈ રહ્યું. બસ કહી રહ્યો છું. જ્યારે અન્ય એક પાકિસ્તાની X યુઝરે પોસ્ટ કરી કે શાહબાઝ કાકા કૃપા કરીને બે ગણી ઝડપે બોલવાનું શરૂ કરો અને આપણે દરેક બાબતે ભાષણો સાંભળવાની જરૂર નથી.

એક યુઝરે કહ્યું હતું કે જેટલી શહબાઝ શરીફની બોલવાની સ્પીડ છે તે હિસાબથી તો યુદ્ધ ખતમ થઈ જશે અને તેમનું ભાષણ ખતમ નહીં થાય. જ્યારે એક પાકિસ્તાની નાગરિકે PM શાહબાઝને તો કાયર સુધી કહી દીધા હતા.