પાકિસ્તાને રચ્યો ઈતિહાસ, 22 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

પર્થમાં રમાઈ રહેલી છેલ્લી ODIમાં પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો મોહમ્મદ રિઝવાનની ટીમે માત્ર 26.5 ઓવરમાં કરી લીધો હતો. આ જીત સાથે પાકિસ્તાને 3 મેચની વન-ડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. નવા કેપ્ટન મોહમ્મદ રિઝવાને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવીને ઈતિહાસ રચ્યો છે. કારણ કે પાકિસ્તાને છેલ્લી વખત ઓસ્ટ્રેલિયામાં 22 વર્ષ પહેલા 2002માં વનડે સીરીઝ જીતી હતી.

પર્થમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

પર્થમાં રમાયેલી છેલ્લી ODIમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, છેલ્લી બે મેચની જેમ, પર્થની ઝડપી પીચ પર ફરી એકવાર તેમના બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર હુમલો કર્યો. તેણે શરૂઆતથી જ આંચકા આપવાનું શરૂ કર્યું, હરિસ રઉફ, શાહીન આફ્રિદી અને નસીમ શાહે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇન અપને વેરવિખેર કરી નાખી હતી. શાહીન અને નસીમે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે હરિસ રઉફે 7 ઓવરમાં માત્ર 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ ત્રણેયની ઘાતક બોલિંગના આધારે પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને માત્ર 31.5 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

આ પછી બેટ્સમેનોએ બાકીનું કામ પૂરું કર્યું. પાકિસ્તાનના બંને ઓપનર અબ્દુલ્લા શફીક અને સેમ અયુબે 84 રનની મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે આ પછી બંને ઓપનર માત્ર 1 રનના અંતરે આઉટ થઈ ગયા હતા. શફીકે 37 રનની ઇનિંગ રમી હતી અને સેમે 42 રનની ઇનિંગ રમી હતી. આ પછી બાબર આઝમે 28 રનની ઇનિંગ રમી અને કેપ્ટન રિઝવાને 30 રનની ઇનિંગ રમી અને 26.5 ઓવરમાં આસાનીથી મેચ જીતી લીધી. હરિસ રઉફને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે સિરીઝમાં સૌથી વધુ 11 વિકેટ લીધી, જેના માટે તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો.