ટ્રમ્પના ટેરિફ યુદ્ધની ચપેટમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ

નવી દિલ્હીઃ USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી છે. તેમણે ભારત, ચીન અને પાકિસ્તાન સહિત અનેક એશિયન દેશો પર ટેરિફ વધારી દીધા છે. ટ્રમ્પે ભારત પર 26 ટકા અને પાકિસ્તાન પર 29 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે બાંગ્લાદેશ પર 37 ટકા ટેરિફ લાગુ કર્યાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના બજારોમાં હલચલ મચી ગઈ છે. તેની સીધી અસર પાકિસ્તાન પર પડશે, કારણ કે ઇસ્લામાબાદ અમેરિકાનો મુખ્ય વેપારી ભાગીદાર છે.

ટ્રમ્પના આ નિર્ણયથી પાકિસ્તાન તેમ જ બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ માટે મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.  આ પડોશી દેશોનો આર્થિક રીતે કચ્ચરઘાણ નીકળે એવી સંભાવના છે, કારણ કે અગાઉથી જ આ બન્ને દેશ આર્થિક મોરચે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હવે નવેસરથી તેમના ઉદ્યોગ પરની પ્રતિકૂળ અસર મુશ્કેલીને વધારી શકે છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત મલીહા લોધીએ કહ્યું છે કે અમેરિકા પાકિસ્તાનનો મુખ્ય વેપારી ભાગીદાર છે. પાકિસ્તાનનો કાપડ ઉદ્યોગ તેનો મોટા ભાગનો માલ અમેરિકામાં વેચાણ કરે છે. આ સ્થિતિમાં પાકિસ્તાનના કાપડ ઉદ્યોગને તેની અસર થશે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને જોવું પડશે કે તે નવી પરિસ્થિતિમાં કેવી રીતે અનુકૂલન સાધે છે. આનાથી બચવા માટે પાકિસ્તાને વધુ બજારો શોધવાં પડશે અને તેની નિકાસને વધુ સ્પર્ધાત્મક બનાવવી પડશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાંગ્લાદેશી ઉત્પાદનો પર ટેરિફ 15 ટકાથી વધારીને 37 ટકા કરી દીધો છે. આનાથી બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની યુએસ બજારમાં નિકાસ પર પ્રતિકૂળ અસર પડી શકે છે. દક્ષિણ એશિયાઈ દેશો સાથે વોશિંગ્ટનના સંબંધોના નિષ્ણાત માઈકલ કુગેલમેને કહ્યું છે કે ટ્રમ્પના નિર્ણયથી કાપડબજાર પર અસર પડશે, જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે મુખ્ય નિકાસ છે.