અમેરિકા: લોકસભા ચૂંટણી 2024માં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનની જીત થઇ. જેની ઉજવણી માટે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બી.જે.પી.એ એટલાન્ટામાં 9મી જૂને એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગ્લોબલ મોલ ખાતે યોજાયેલા આ ફંક્શનની મુખ્ય થીમ, ‘ભારત વિકાસના માર્ગ પર’ હતી. કાર્યક્રમમાં અંદાજે 350થી વધુ ભારતીય અમેરિકન્સે હાજરી આપી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બી.જે.પી, USAના નેશનલ ઓર્ગેનાઈઝેશન જનરલ સેક્રેટરી વાસુદેવ પટેલ, ધીરેન્દ્ર શાહ, શિવ અગ્રવાલ, પંડિત જ્ઞાન ઉપાધ્યાય, સંતોષ શેટ્ટી, શ્રીધર વેંકટ, વિકાસ નાહટા, સુધાકર સનાકા અને કાતિકેય બંડારુએ આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં ભારતથી અમેરિકા પહોંચેલા ભાજપના 3 નેતાઓ રામચંદ્ર રાવ, પૈડી રાકેશ રેડ્ડી અને તેલંગાણાના પ્રદીપ રવિકાંથીએ ખાસ હાજરી આપી હતી. આ ત્રણેય નેતાઓએ ભાજપની જીતની ઉજવણીમાં આમંત્રિત કરવા બદલ આયોજકોનો આભાર માન્યો. તેમણે અનેક પડકારો હોવા છતાં સતત ત્રીજી વખત ચૂંટણી જીતવા બદલ નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરી હતી.પંડિત જ્ઞાન ઉપાધ્યાયે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેના પછી આયોજકોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર બાદ પ્રિયા શ્રીનિવાસે અમેરિકન અને ભારતીય રાષ્ટ્રગીત ગાયું હતું. શિવ અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને સત્તામાં ટકાવી રાખવા માટે દરેક હિન્દુએ ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી છે તેવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે હિન્દુ મતદારોની ઉદાસીનતાના કારણે 2024ની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળી શકી.
ધીરેન્દ્ર શાહે કહ્યું કે, 2024ની ચૂંટણીમાં 40 ટકા હિન્દુ મતદારોએ મતદાન કર્યું નહતું. જેના કારણે ભાજપ 400થી વધુ બેઠકોના ટાર્ગેટ સામે ફક્ત 240 જ બેઠકો જીતી શક્યો. આ દુર્ભાગ્યપૂર્ણ અને નિરાશાજનક છે. કાર્યક્રમના મુખ્ય આયોજક વાસુદેવ પટેલે ભારતના અર્થતંત્ર, સંરક્ષણ, વિદેશ નીતિ, શિક્ષણ, રસ્તાઓનું નિર્માણ, કૃષિ અને ગરીબી ઘટાડવાના દરેક ક્ષેત્રમાં PM મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની સિદ્ધિઓ વિશે વિસ્તૃત વાત કરી હતી.ગાયક આનંદ મહેતા અને નેહલ મહેતાએ શાનદાર પર્ફોર્મન્સ આપતા દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. તેમના ગીતોએ ઓડિયન્સને ડોલાવી હતી.2024ની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવા માટે ટીમ એટલાન્ટાએ કાર રેલી, ચાય પે ચર્ચા, વિજયી મંત્ર હોમ અને કોલ કેમ્પેન સહિતની એક્ટિવિટી પણ કરી હતી.