અમદાવાદ: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી ખાતે નેશનલ મેથ્સ કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.. ભારતના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી નિમિત્તે દર વર્ષે 22મી ડિસેમ્બરે નેશનલ મેથેમેટિક્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટના સહયોગથી 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન નેશનલ મેથ્સ કાર્નિવલ અને 18મા નેશનલ મેથ્સ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ મેથ્સ કાર્નિવલ-2024માં ત્રણ દિવસ દરમિયાન મેથ્સ મોડેલ પઝલ એક્ઝિબિશન, મેથ્સ ક્વિઝ, પોપ્યુલર મેથ્સ લેક્ચર, પઝલ પ્રેક્ટિકલ, કલ્ચરલ એક્ટિવિટી, મેથ્સ પોએમ, સ્ટોરી એન્ડ રીલે, ટીચર પેપર પ્રેઝન્ટેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 18 રાજ્યની અલગ-અલગ શાળાના 250થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ગણિત પ્રેમીઓએ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાયન્સ સિટીની મુલાકાતે આવેલા લોકોએ મેથ્સ પ્રદર્શનો નિહાળ્યા હતા. 22મી ડિસેમ્બરે નેશનલ મેથ્સ કાર્નિવલ-2024ના સમાપન પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સહભાગી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સહભાગી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિતપ્રેમીઓએ ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની ગેલેરીઓની મુલાકાત લીધી હતી. ગણિત વિષય પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોની રૂચિ વધે તે હેતુથી આ નેશનલ મેથ્સ કાર્નિવલ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.