નવી દિલ્હીઃ દિલ્હીના પ્રદૂષણ મુદ્દો ગંભીર થ ગયો છે. ગુરુવાર સવારે સંસદ પરિસરમાં વિરોધ પક્ષના સાંસદો મકર દ્વારે પહોંચી પ્રદૂષણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષના કેટલાક સાંસદોએ પોતાના ચહેરા પર માસ્ક પહેર્યા હતા અને પ્રદૂષણવિરોધી સૂત્રો લખેલાં પ્લેકાર્ડ અને બેનર હાથમાં રાખ્યાં હતા. કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન થયું હતું. એક બેનર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે ‘मौसम का मजा लीजिए’ લખ્યું હતું.
પ્રદૂષણ પર ચર્ચા કરો’ના નારા
વિરોધી સાંસદોએ તેમની આ ટિપ્પણીને દિલ્હી અને અન્ય ઘણાં શહેરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ સાથે જોડીને તેમના પર નિશાન સાધ્યું. સંસદ પરિસરમાં વિરોધ દરમિયાન સાંસદોએ “પ્રદૂષણ પર ચર્ચા કરો”ના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસ સંસદીય દળનાં મુખ્ય સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રદૂષણથી નિપટવા માટે કંઈક કરવા સરકાર જવાબદાર છે. તેમણે શિયાળુ સત્રમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ પર ચર્ચાની માગ સાથે સંસદ પરિસરમાં વિરોધ પક્ષનાં સાંસદો સાથે પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ હાલની વાયુ પ્રદૂષણ પરિસ્થિતિને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે કયા મોસમનો મજા લઈએ? બહાર જુઓ કેવી સ્થિતિ છે. જેમ સોનિયાજી એ કહ્યું કે નાનાં બાળકો શ્વાસ લઈ શકતા નથી.” તેમણે દાવો કર્યો કે દર વર્ષે સ્થિતિ ખરાબ થાય છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે હવે નક્કર પગલાં લેવાની જરૂર છે.
વિરોધ પક્ષના સાંસદો ચહેરા પર માસ્ક લગાવીને સંસદ પહોંચ્યા હતા. વિરોધ પક્ષ સરકાર પાસે પ્રદૂષણ સામે અસરકારક પગલાંની માગ કરી રહ્યો છે. રોહતકથી લોકસભા સાંસદ હુડ્ડાએ પત્રકારોને કહ્યું હતું કે આજે આપણે અહીં ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર છીએ. અમારી માગ છે કે આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિષય પર (જવાબ આપવા) આગળ આવે.


