‘ઓપરેશન રૂપાલા’, રાજકોટમાં મહારેલીનું આયોજન

પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજપૂત કોર કમિટીની બેઠક બાદ મહારેલીનું આયોજન કરાયું છે. બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે. ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલીમાં જોડાયા છે. કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા પણ જોડાયા છે. ક્ષત્રિય-રાજપૂત આંતરરાષ્ટ્રીય યુવા સંઘના પ્રમુખ પી.ટી. જાડેજા સહિત મહિલાઓ અને ક્ષત્રિયોએ કલેક્ટર પ્રભવ જોષીને આવેદનપત્ર આપ્યું હતું.

પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યારે રેલીમાં 15થી 20 હજાર લોકો છે. એક મહાસંમેલન થશે જેમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થશે, અમે કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને જ કરવાના છીએ. યુવાનો અને બહેનોને સમજાવીએ છીએ, પણ સાહેબ આપ રજૂઆત એવી પહોંચાડો કે, ક્ષત્રિયોમાં જે આક્રોશ છે એ વ્યાજબી અને યોગ્ય છે. તેણે માફી માગી છે પણ એ માફી માગવા લાયક નથી. માફી આપવા અમે લાયક નથી. નયનાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હું ક્ષત્રિયની દીકરી તરીકે આવી છું, હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે. અમે રજૂઆતો કરી રહ્યા છીએ કે, રૂપાલાની ટિકિટ રદ કરો પણ તમે કરતા નથી તો અમારે અમારી રીતે જવાબ દેવો પડશે. હજી પણ ઉગ્રતા વધતી જશે.

 

ક્ષત્રિય સમાજના બાળકોથી માંડી વડીલો સુધી સૌકોઈ મહારેલીમાં જોડાયા છે. મહારેલીમાં જય ભવાનીનો જય જયકાર કરતા પણ લોકો જોવા મળ્યા હતા. મહારેલી કલેક્ટર કચેરી પહોંચી ગઈ છે. અહીં પણ પોલીસનો ચૂસ્ત બંદોદસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સાંજ 6 વાગ્યા માધાપર ચોકડી ખાતેથી ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂપાલા હાજર રહેશે. જ્યારે રાત્રે 8 વાગ્યે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જવાહર રોડ પર હોટલ પ્લેટીનમ ખાતે સેમિનાર અને સન્માનનો કાર્યક્રમ છે. જેમાં રૂપાલા હાજર રહેશે.