સુરગપરા ગામની સીમમાં ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોરવેલમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું હતું. ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે 17 કલાક બાદ આરોહીને બોરવેલમાંથી કાઢવામાં આવી છે પણ તેનો જીવ બચાવી શકાયો નથી.
એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ તેનો મૃતદેહ જ હાથ લાગ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.ફાયર ઓફિસર એચસી ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે ગઈકાલે બપોરથી આજે સવાર સુધી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ-ઓપરેશનમાં ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસતંત્ર વહીવટી તંત્રએ સંયૂક્ત ઓપરેશન હાથ ધરીને બાળકીને વહેલી સવારે બહાર કાઢવામાં આવી હતી. તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી, પરંતુ અહી તબીબે તેને મૃત જાહેર કરી હતી.
બોરવેલમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન લગાવાયું હતું. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી. રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી. રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એન ડી.આર.એફની ટીમોએ બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ તેનો જીવ બચાવી શક્યાં નહોતાં.