અહો આશ્ચર્યમ્: બિહારમાં ‘ડોગ બાબુ’ને મળ્યું રહેઠાણનું પ્રમાણપત્ર

પટનાઃ આજકાલ બિહારમાં જ્યાં એક તરફ ચૂંટણીની ચર્ચાઓ જોરદાર ચાલી રહી છે, ત્યાં બીજી તરફ એક આશ્ચર્ય જગાવતી ફોટાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ફોટો એટલી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે સોશિયલ મિડિયા પર લોકો સતત તેને શેર કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ માત્ર જાહેર જનતામાં જ નહીં, પરંતુ સરકારી સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. વાયરલ થયેલી તસવીરમાં નિવાસ પ્રમાણપત્રમાં એક કૂતરાનો ફોટો અને તે સંબંધિત માહિતી દર્શાવવામાં આવી હતી., એટલું જ નહીં, તે પ્રમાણપત્રમાં સરકારી અધિકારીના સહી પણ હાજર હતી.
પટનાને લાગતા મસૌઢીમાંથી એક એવું નામ સામે આવ્યું છે કે જેને સાંભળીને લોકો પહેલા હસશે અને પછી ચોંકી જશે – કારણ કે અહીં ‘ડોગ બાબુ’ને RTPS પોર્ટલ પરથી નિવાસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

પટણા જિલ્લાના મસૌઢી અંચલ કચેરીના RTPS પોર્ટલ પરથી એક એવું નિવાસ પ્રમાણપત્ર જારી થયું છે, જેને વાંચીને કોઈ પણ વ્યક્તિ પહેલા હસી પડશે અને પછી વિચારમાં પડી જશે. આ દસ્તાવેજમાં નામ લખાયું છે – ‘ડોગ બાબુ’, પિતાનું નામ – ‘કુત્તા બાબુ’, માતાનું નામ – ‘કૂતિયા બાબુ’ અને સરનામું છે – કાઉલીચક, વોર્ડ નં. ૧૫, નગર પરિષદ મસૌઢી. ફોટાની જગ્યાએ પણ એક સાચા કૂતરાનો ફોટો મૂકવામાં આવ્યો છે.

કૂતરાને મળ્યું નિવાસ પ્રમાણપત્ર
હા આ પ્રમાણપત્ર (ક્રમાંક: BRCCO/2025/15933581) પર મસૌઢી અંચલ કચેરીના રાજસ્વ અધિકારી મુરારી ચૌહાણની ડિજિટલ સહી પણ છે. એટલે કે આ કોઈ ફોટોશોપ કરેલો નકલી પ્રમાણપત્ર નહિ, પણ આખો નિયમિત પદ્ધતિથી બહાર પડેલો ઓરિજિનલ દસ્તાવેજ છે.

આ પહેલાં બિહારના મુંગેરમાં સોનાલિકા ટ્રેક્ટરને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. હવે ‘ડોગ બાબુ’ પછી લોકો મજાકમાં કહી રહ્યા છે કે આવતી કાલે ‘બિલાડી દીદી’ને રેશનકાર્ડ અને ‘ગાય માતા’ને ડ્રાઈવિંગ લાયસન્સ મળી શકે છે. લોકો કહી રહ્યા છે કે RTPS પોર્ટલના સિસ્ટમને ચેક કરવા કરતાં હવે એમાં એન્ટી વાયરસ નાખવાની જરૂર છે, કેમ કે આ તો હવે કૂતરાનો પણ ડેટા સ્વીકારવા લાગ્યું છે.