ભુવનેશ્વર: પુરી સ્થિત ઓડિશા AM/NS ઇન્ડિયા ખો-ખો હાઈ પરફોર્મન્સ સેન્ટરે (ઓડિશા AM/NS KHPC) પોતાની બીજી એનિવર્સરીની ભવ્ય ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા સેન્ટરના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ખોખો સિલેક્શન ટ્રાયલ્સ ૨૦૨૬ દ્વારા પસંદ કરાયેલા પ્રતિભાશાળી ખેલાડીઓની નવી બેચને આવકારવામાં આવી હતી. આ સેન્ટર ભારતના ભાવિ ખોખો ચેમ્પિયન્સને ઘડવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ રહ્યું છે.
ઓડિશા AM/NS KHPC એ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) અને ઓડિશા સરકારની એક સંયુક્ત પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ખો-ખો ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને યોગ્ય તાલીમ આપવા સાથે રમતના રેફરીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે.
માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં જ સેન્ટરના ખેલાડીઓએ ખોખો વર્લ્ડ કપ ૨૦૨૫, નેશનલ ગેમ્સ ૨૦૨૫, ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ ૨૦૨૫, તથા વિવિધ જૂનિયર, સબ-જૂનિયર અને સીનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ૩૦થી વધુ રાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને અહીંના ખેલાડીઓએ કુલ ૪૮ મેડલ્સ પોતાના નામે કર્યા છે.
ઉજવણી પ્રસંગે AM/NS ઇન્ડિયાના HR & Administration વિભાગના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ આશુતોષ તેલંગે જણાવ્યું હતું કે, “માત્ર બે વર્ષમાં ઓડિશા AM/NS KHPC એ સુઆયોજિત તાલીમ અને પ્રતિભા વિકાસના ક્ષેત્રે એક પ્રેરણાદાયી કેન્દ્ર તરીકે સ્થાન મેળવ્યું છે. ખેલાડીઓની આ સિદ્ધિઓ મજબૂત ઇકોસિસ્ટમનું પરિણામ છે. નવી બેચના સ્વાગત સાથે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરે તેવા ચેમ્પિયન્સ તૈયાર કરવાનો અમારો સંકલ્પ વધુ દૃઢ બન્યો છે.”
આ સમારંભમાં ભારતીય મેન્સ ખો-ખો ટીમના કેપ્ટન પ્રતિક વાઇકર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ખો-ખો ફેડરેશન ઑફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ પ્રદ્યુમ્ન મિશ્રા, AM/NS ઇન્ડિયાના હેડ-HR ડૉ. દેબબ્રત દાશ, હેડ-CSR ડૉ. વિકાસ યાદવેન્દુ તેમજ SFA ના પ્રોજેક્ટ હેડ સાગર સામલ જેવા મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
નવા ઇન્ડક્શન સમારંભમાં જૂનિયર અને સીનિયર કેટેગરીના ૩૧ ખેલાડીઓએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે ૧૦ છોકરાઓ અને ૯ છોકરીઓ સહિત ૧૯ નવા ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુના ખેલાડીઓ ઉચ્ચ કેટેગરીમાં પ્રોમોટ થતાં ૮ નવા જૂનિયર ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.
કાર્યક્રમ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા અને શિસ્ત તથા અભ્યાસમાં ઉત્કૃષ્ટ રહેલા ખેલાડીઓનું બહુમાન કરાયું હતું. અંતમાં ખેલાડીઓએ એક એક્ઝિબિશન મેચ રમીને આધુનિક ખો-ખોની ઝડપ, વ્યૂહાત્મક કૌશલ્ય અને ચપળતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહેલું આ સેન્ટર ભારતીય ખો-ખોને નવી ઊંચાઈઓ પર લઈ જવા કટિબદ્ધ છે.




