હવે ઓલા-ઉબરની મનમાની ખતમ, સરકાર લાવી છે ‘ભારત-ટેક્સી’

નવી દિલ્હીઃ ઓલા-ઉબર ટેક્સી સર્વિસને લઈને રોજ નવી-નવી ફરિયાદો સામે આવે છે,  ક્યારે કાર ગંદી હોય છે, ક્યારે મનપસંદ ભાડું વસૂલવામાં આવે છે કે પછી ડ્રાઈવર બુકિંગ રદ કરી દે છે. આવી ખાનગી રાઇડ હેલિંગ એપ્સની સમસ્યાઓનો અંત લાવવા માટે હવે આવી રહી છે સરકારી સેવા- ભારત ટેક્સી.

કેન્દ્ર સરકારે ‘ભારત ટેક્સી’ નામથી નવી કેબ સર્વિસ શરૂ કરી છે, જે ઓલા-ઉબર જેવી ખાનગી કેબ કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે આમાં કારમાલિકો અથવા ડ્રાઇવરોને કંપનીને કોઈ કમિશન આપવાની જરૂર નહીં પડે, એટલે આખી કમાણી સીધી તેમના ખિસ્સામાં જશે. તેથી ઘણા ડ્રાઇવરો ઓલા-ઉબરને બદલે ભારત ટેક્સીમાં જોડાવાનું પસંદ કરશે.

ટૂંક સમયમાં શરૂ થનાર સહકારી ટેક્સી સેવા

ભારત ટેક્સી દેશની પ્રથમ સહકારી (co-operative) ટેક્સી સેવા હશે. આ સેવા મોટા પાયે ડિસેમ્બરથી શરૂ થશે, પરંતુ તેનો પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બરમાં જ દિલ્હીમાં શરૂ થશે. આ પ્રોજેક્ટમાં 650 ડ્રાઇવર/કાર માલિકો જોડાશે, એટલે શરૂઆતમાં 650 વાહનો ઉપલબ્ધ રહેશે. ડિસેમ્બર પછી આ સેવા અન્ય શહેરોમાં પણ ફેલાવવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં આશરે 5000 ડ્રાઇવર આ સહકારી સર્વિસ સાથે જોડાઈ જશે અને લોકો માટે તેમનાં વાહનો સાથે સર્વિસ આપશે.

કેવી રીતે કામ કરશે ‘ભારત ટેક્સી’?

ભારત ટેક્સીને કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અને નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) મળીને તૈયાર કર્યું છે. આ માટે સરકારે સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ સાથે એમઓયુ (MoU) કર્યો છે. આ કોઈ ખાનગી કંપનીની જેમ નહીં, પણ સહકારી સંસ્થા તરીકે કાર્ય કરશે, એટલે ડ્રાઇવરો પણ સહ-માલિક (co-owner) રહેશે.

સેવા કેવી રીતે ઉપયોગમાં લેવાશે?

આ સેવાનો ઉપયોગ કરવો ઓલા-ઉબર એપ જેટલો જ સરળ છે. એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોન યુઝર્સ એપલ સ્ટોર પરથી ‘ભારત ટેક્સી’ એપ ડાઉનલોડ કરી શકશે. એપ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ રહેશે.

સૌથી ખાસ વાત એ છે કે આ મેમ્બરશિપ પ્લાન આધારિત સેવા હશે. દરેક રાઇડની 100 ટકા કમાણી ડ્રાઇવર પાસે જ રહેશે. ડ્રાઇવરને ફક્ત દૈનિક, સાપ્તાહિક અથવા માસિક આધારે નાની રકમ સભ્યપદ ફી તરીકે ચૂકવવી પડશે. પ્રારંભમાં આ સેવાનું વિસ્તરણ દિલ્હી, મુંબઈ, પુણે, ભોપાલ, લખનૌ, જયપુર સહિત 20 શહેરોમાં કરવામાં આવશે.