અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસઅધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી હોવાથી ત્યાં પેટા ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે. એવામાં હવે આ બંને બેઠકો પર ગઠબંધન વિના ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
તેમણે જાહેરાત કરી છે કે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે. આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે. આ ગઠબંધન વિશે વાત કરતાં શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ગઠબંધનનો કેટલાક નિયમ હોય છે. કેન્દ્રમાં અમારું ગઠબંધન યથાવત્ છે, પરંતુ રાજ્ય અંગે હાઇ કમાન્ડ તરફથી સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો ઉતારશે.
વિસાવદરમાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતાં બેઠક ખાલી પડી હતી. કડી વિધાનસભા બેઠક પરથી કરશન સોલંકીના નિધનના કારણે બેઠક ખાલી પડી હતી. જોકે આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલાંથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસ પણ ટૂંક સમયમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરશે. જોકે અગાઉ આપ નેતા ઈસુદાન ગઢવીએ વિસાવદરમાં ઉમેદવાર ન ઊભા રાખવા કોંગ્રેસને અપીલ કરી હતી.
વિસાવદર બેઠક પર ભૂતપૂર્વ CM કેશુભાઈ પટેલની આ પરંપરાગત બેઠક ગણાય છે અને તેમના બાદ જો કોઈએ સૌથી વધુ આ બેઠક પર જીત મેળવી હોય તો તે હર્ષદ રિબડિયા છે. કોંગ્રેસની ટિકિટ પરથી હર્ષદ રિબડિયા બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ ગઈ ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા અને તેમને આપ પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીએ 7000 મતોના માર્જિનથી હાર આપી હતી.
