નવી દિલ્હી: દેશભરમાં ગરીબ છોકરીઓને શિક્ષિત કરવા માટે કામ કરતી સંસ્થા ‘એજ્યુકેટ ગર્લ્સ’ માટે રેમન મેગ્સેસે એવોર્ડ, 2025ની જાહેરાત કરવામાં આવી છે. ‘એજ્યુકેટ ગર્લ્સ’ને ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આ વર્ષના રેમન મેગ્સેસે એવોર્ડના ત્રણ વિજેતાઓમાંની એક છે. અન્ય વિજેતાઓમાં માલદીવની શાહિના અલી અને ફિલિપાઇન્સના ફ્લાવિયાનો એન્ટોનિયો એલ. વિલાનુએવાનો સમાવેશ થાય છે.સંસ્થાના ફાઉન્ડર સફીના હુસૈને આ જાહેરાતને ઐતિહાસિક ક્ષણ ગણાવતા કહ્યું, આ સન્માન ગામડાની છોકરીથી શરૂ થયેલા આંદોલનને વૈશ્વિક ઓળખ આપે છે. મહત્વની બાબત છે કે ભારતમાં અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત કાર્ય કરનારા 40 લોકોને વ્યક્તિગત રીતે રેમન મેગ્સેસે એવોર્ડ મળી ચૂક્યો છે.
સફીના હુસૈનની આ મુહિમની 50 ગામડાંથી શરૂઆત થઈ, જ્યાં દીકરીઓ ઘરે રહેતી હતી. ઘરે-ઘરે ગયા, બેઠક-સભાઓ બોલાવી, મહિલાઓએ ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરી. પરિણામે પિતાઓ પોતે છોકરીઓને શાળાએ મૂકવા આવ્યા હતા. આજે 20 લાખથી વધુ છોકરીઓ શાળામાં દાખલ થઈ છે. તેમનો શિક્ષણ દર 90%થી વધુ છે.
આ અંગે સફીનાનું કહેવું છે કે, “આ યાત્રા ખરેખર ખૂબ જ મુશ્કેલ હતી. 2007માં આ સંસ્થાની શરૂઆત તે ઉદ્દેશ્ય સાથે કરાઈ હતી કે સ્કૂલમાં ન આવતી છોકરીઓને શોધી કાઢવી. તેમને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવો અને શાળામાં તેમની સતત હાજરી સુનિશ્ચિત કરવાની હતી.”
વધુમાં જણાવ્યું કે, “અમે રાજસ્થાનના 50 ગામડાથી શરૂઆત કરી હતી. જ્યાં છોકરીઓ કાં તો શાળાએ જતી નહોતી અથવા બાળપણમાં શાળા છોડી દીધી હતી. અમે આ ગામડાઓના દરેક ઘરનો દરવાજો ખટખટાવ્યો. માતા-પિતાને સમજાવ્યા, સમુદાયોને જાગૃત કર્યા. અમે ગ્રામ શિક્ષા સભાઓ અને મોહલ્લા સભાઓ યોજી, જેમાં અમે દરેક ઘરની મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી.
સફીનાનું કહેવું છે કે, “અમે ‘જ્ઞાન કા પિતારા’ જેવી ખાસ કીટ તૈયાર કરી છે, જે ધોરણ 3થી 5ના બાળકોમાં અંગ્રેજી, હિન્દી અને ગણિતમાં માઈક્રો-કોમ્પિટન્સી વિકસાવે છે. આ ઉપરાંત, કિશોરીઓને લાઈફ સ્કિલ્સ એજ્યુકેશન પુરૂ પાડે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ ડ્રોપઆઉટ છોકરીઓને ઓપન સ્કૂલમાં દાખલ કરવામાં આવે છે અને મેટ્રિક પરીક્ષા માટે તૈયાર કરાય છે.”
એજ્યુકેટ ગર્લ્સ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોના 30,000થી વધુ ગામડાઓમાં સરકારી સંસાધનોનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. શિક્ષણ ક્ષેત્રે વિશ્વનો પ્રથમ ડેવલપમેન્ટ ઇમ્પેક્ટ બોન્ડ પણ શરૂ કર્યો છે. આ રીતે સંસ્થા 67 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચી છે, જેમાંથી 3.80 લાખ ડ્રોપઆઉટ છોકરીઓ છે.રેમન મેગ્સેસે એવોર્ડ ૧૯૫૮માં શરૂ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ એશિયામાં પરિવર્તનશીલ નેતૃત્વની ભાવના ધરાવતા લોકો અથવા સંસ્થાઓને આપવામાં આવે છે. ૧૯૫૮થી, એશિયાના ૩૦૦થી વધુ લોકો અને સંગઠનોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
