NFSU ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી

ગાંધીનગર: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્સિક્સ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહની ઉજવણી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે કરવામાં આવી હતી. 15 ઓક્ટોબરના રોજ યોજાયેલા માસ્ટર ઓફ સેરેમની કાર્યક્રમમાં NFSUના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે અધ્યક્ષીય સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશેષ આમંત્રિતોમાં DIG પ્રશાંત કે. શર્મા (TM, CoS(offg); HQ-CGR(NW); બ્રિગેડિયર અનિલ કાકડે, અમદાવાદ આર્મી કેન્ટ અને લેફ્ટનન્ટ કર્નલ ડૉ. સંજય કુમાર, એસોસિયેટ પ્રોફેસર અને હેડ, મનોચિકિત્સા વિભાગ, આર્મી હોસ્પિટલનો સમાવેશ થયો હતો. પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર; સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU અને પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડિરેક્ટર, NFSU-દિલ્હી પણ મંચ પર ઉપસ્થિત હતા.ડૉ. જે.એમ.વ્યાસ દ્વારા અપાયેલા અધ્યક્ષીય સંબોધનમાં જણાવાયું હતું કે, મનને નિયંત્રિત કરવું એ પવનને કાબૂમાં રાખવા જેટલું પડકારજનક છે. સતત અભ્યાસ અને આત્મનિરીક્ષણ દ્વારા – ધીમે-ધીમે મનને શિક્ષિત કરી શકાય છે. પ્રતિક્રિયાઓ પર ચિંતન કરવું જરૂરી છે. ચિંતા, ભય જેવી ભાવનાત્મક ભૂલોને બુદ્ધિપૂર્વક દૂર રાખવી જોઈએ. દરેક વ્યક્તિ ભાવનાત્મક સંઘર્ષોનો સામનો કરતો હોય છે. જો કે, ધીરજ અને સ્વ-અભ્યાસ સાથે, દુઃખને શાંતિ, સંવાદિતા અને પ્રસન્નતામાં પરિવર્તિત કરી શકાય છે. આ રીતે, નિયંત્રિત મન આપણા જીવનને શાંતિપૂર્ણ બનાવે છે.

DIG પ્રશાંત કે શર્માએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓપરેશનલ સ્ટ્રેસ, આઘાત, એકલતા અને ડિજિટલ ઓવરલોડથી ઉદ્ભવે છે. સપોર્ટ સિસ્ટમ્સ હોવા છતાં, આત્મહત્યા સહિતના સંવેદનશીલ કિસ્સાઓ તાત્કાલિક વિજ્ઞાન-સમર્થિત હસ્તક્ષેપની માંગ કરે છે. આ કટોકટીનો સામનો કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને NFSUએ એક સમજૂતી કરાર પણ કર્યા છે. જેને કારણે આ સંદર્ભમાં વધુ સંશોધન અને સમસ્યા નિવારણ માટેના મહત્ત્વપૂર્ણ પગલાં ભરી શકાય.

આ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહનો ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને સામાન્ય લોકોને તેનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમના છેલ્લા દિવસે કેમ્પસમાં ‘માનસિક સ્વાસ્થ્ય’ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ રેલીમાં ભાગ લીધો હતો. વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.