નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવાર વહેલી સવારે નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા છે, જ્યારે ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે. સ્વિસ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વિસ્ફોટ બાદ બચાવ અભિયાન ચાલુ છે.
વિસ્ફોટનાં કારણો અસ્પષ્ટ
સ્વિટ્ઝર્લેન્ડની પોલીસે જણાવ્યું હતું કે રિસોર્ટના એક બારમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોનાં મોત થયાં છે અને ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે. દક્ષિણ-પશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડના વાલિસ કેન્ટનના પોલીસ પ્રવક્તા ગેટાન લાથિયોને જણાવ્યું કે અજાણ્યાં કારણોસર વિસ્ફોટ થયો છે. તેમણે કહ્યું હતું કે આ વિસ્ફોટ ‘લે કોન્સ્ટેલેશન’ નામના બારમાં થયો હતો, જે પર્યટકોમાં ખૂબ લોકપ્રિય છે.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
આ વિસ્ફોટની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. વિસ્ફોટ થયેલી જગ્યા અને તેની આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે.
પોલીસે તપાસ શરૂ કરી
ક્રાન્સ મોન્ટાના પર્યટકોમાં અત્યંત લોકપ્રિય સ્થળ છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાઓ માણવા આવે છે. નવા વર્ષની અવસરે અહીં ભારે ભીડ રહે છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમો પુરાવા એકત્ર કરી રહી છે અને બારમાં હાજર રહેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.



