સુરતઃ શહેરમાં ડિસેમ્બર, 2024માં અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાપ્રમુખે ઘરમાં ગળેફાંસો ખાધો હતો. 34 વર્ષીય દીપિકા પટેલે આપઘાત કરતાં પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાયો હતો. જોકે પરિવારજનોએ આ ઘટનાને આત્મહત્યા નહીં હત્યા ગણાવી હતી. પરિવારજનોએ કહ્યું હતું કે દીપિકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો. એ રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ હાજર હતો.
એ સમયે પોલીસ દ્વારા દીપિકાનો મોબાઇલ ફોન FSLમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં નગરસેવક ચિરાગ સાથે હજારો ફોટા મળી આવ્યા હતા. ચિરાગનું દીપિકા સાથે નામ જોડાયું હતું અને મૃતકના ફોનમાંથી બંનેના મોટી સંખ્યામાં ફોટા મળી આવતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.
આ ઘટના બની તે બાદ ચિરાગના ફોનની સાથે મૃતક દીપિકાનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જે રિપોર્ટ આવી જતાં પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. પોલીસે હવે બંને વચ્ચે શું સંબંધ હતો તેની તપાસ કરે એવી શક્યતા છે. આ ઘટના બની ત્યારથી ચિરાગ દીપિકાને તેની બહેન જ ગણાવતો હતો. આ કેસને સુરતની અલથાણ પોલીસ દ્વારા ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી.
દીપિકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. એ રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો તે પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દીપીકાને નીચે ઉતારી હતી. અમને આશંકા છે કે દીપિકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી આ કેસની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે,એમ પરિવારે માગ કરી હતી.