નેપાળ: પાડોશી દેશમાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં મુસાફરોને લઇ જતી બે બસો ત્રિશૂળી નદીમાં વહી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. બંને બસમાં ડ્રાઈવર્સ સહિત કુલ 63 મુસાફરો સવાર હોવાની માહિતી સામે આવી છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારીએ આ ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે શરૂઆતની માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે બસો વહેલી સવારે આશરે 3:30 વાગ્યે નદીમાં વહી ગઇ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 ભારતીયો સહિત કુલ 11 લોકો મૃત્યુ પામ્યા છે. જોકે અન્ય લોકોની શોધખોળ હજુ પણ યથાવત છે. મૃતકાંક વધવાની શક્યતા છે.
માહિતી અનુસાર ઘટનાસ્થળે ભારે વરસાદને પગલે શોધખોળ અને રેસ્ક્યૂ અભિયાનમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના અંગે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે નારાયણગઢ-મુગ્લિન રોડ પર ભૂસ્ખલનની લપેટમાં આવતા બસ નદીમાં વહી જતાં લગભગ 60થી વધુ લોકો ગુમ છે.
નેપાળમાં જૂનથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓને લીધે લોકોની હાલત દયનીય છે. અનેક રસ્તા બંધ થઇ ગયા છે તો અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તાજેતરની ઘટના ચિતવન નજીક બની છે. અહીં કાઠમંડુથી ગૌર તરફ જતી એક બસમાં 41 લોકો સવાર હતા જ્યારે બીરગંજથી કાઠમંડુ જતી બસમાં 24 લોકો સવાર હોવાની માહિતી છે. આ બંને બસ ત્રિશૂલી નદીમાં ખાબકી છે.