અમદાવાદ: આસો સુદ એકમથી શક્તિની આરાધના અનુષ્ઠાનના દિવસો નવરાત્રિની શરૂઆત થઈ જશે. હિંદુ ધર્મમાં નવરાત્રિને વિવિધ પ્રાંતો જુદી-જુદી રીતે ઉજવે છે. આ ધાર્મિક ઉત્સવને વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ કંઈક અનોખા આયોજન કરી ઉત્સાહથી ઉજવે છે. નવરાત્રિના મહોત્સવની ઉજવણી માટે વિશ્વ આખાયમાં આયોજકોની સાથે ખેલૈયા પણ તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યા છે.
ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો પાર્ટી-પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે મંડપ ડેકોરેશન સજાવટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ તમામ તહેવારો, ઉત્સવોની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ બમણાં ઉત્સાહથી લોકો બહાર આવી આસ્થા સાથે આનંદ મેળવી રહ્યા છે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, ક્લબો, પાર્ટી-પ્લોટ અને રિસોર્ટમાં રાસ-ગરબાની ઉજવણી ઇવેન્ટના હોર્ડિંગ્સ ઠેર-ઠેર લાગી ગયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસ-ગરબાની તાલીમ આપતા ટ્રેઇનિંગ સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકો તાલીમ લઇ રહ્યા છે. જેમાં દરેક વયજૂથના લોકો રાસ ગરબાની તાલીમ લઈ રાસ-ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. ગરબાની મોજ લેતાં ગ્રુપ આ વર્ષે રાસ-ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી સોશિયલ મીડિયા પર મૂકી વાયરલ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સોમવારની વહેલી સવારે પચ્ચીસ વર્ષથી પણ જૂના પનઘટ પરફોર્મિંગ આર્ટ’ ગરબાના ગ્રુપ સાથે જોડાયેલા લોકો દ્વારા સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી હતી.
દેશ-વિદેશમાં વિશાળ સ્ટેજ પર તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા ઘણાં વર્ષોથી હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. પરંપરાગત રાસ ગરબા સાથે સતત પચીસેક વર્ષથી કાર્યરત પ્રચલિત પનઘટ પરફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા. કોમને કહે છે, “અમારું ‘ગરબા ગ્રુપ’ ગુજરાતના જુદા-જુદા શહેર, રાજ્યોની સાથે વિદેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. પરદેશમાં અવાર-નવાર ‘ટ્રેડિશનલ ફોક ફેસ્ટિવલ’માં અમારું ગૃપ ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.”
વાયબ્રન્ટ ગુજરાત જેવાં કાર્યક્રમમાં વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિની ભવ્યતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગરબા વિશે વિશ્વ જાણતું થયું હોવાથી દેશ-વિદેશમાં રાસ-ગરબાને જબરદસ્ત પ્રતિસાદ પણ મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)




