નવચેતન અદાણી વિદ્યાલય દ્વારા સકારાત્મક વાલીપણાની દિશામાં પ્રેરણાદાયી પહેલ

હજીરા (સુરત): હજીરાના જૂનાગામ (શિવરાજપુર) ખાતે આવેલી નવચેતન અદાણી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી. 26 ઑગસ્ટ, 2026ના રોજ 5થી 10 વર્ષના બાળકોના વાલીઓ માટે ‘Parenting for Peace’ના ઉપક્રમે ‘Enjoy Parenting’ વિષય પર એક પ્રેરણાદાયી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ ઉછેર અને સકારાત્મક વાલીપણાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વર્કશોપના મુખ્ય વક્તા મીનાઝ પંજવાનીએ વ્યવહારુ ઉદાહરણો દ્વારા વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વાલીઓને બાળકનો તેની ખૂબીઓ અને ખામીઓ સાથે સ્વીકાર કરવા, ભૂલ થાય ત્યારે ગુસ્સે થવાને બદલે સંવેદનશીલતાથી કામ લેવા અને બાળકની વાત ધ્યાનપૂર્વક સાંભળવા અપીલ કરી હતી. આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોની સરખામણી અન્ય સાથે કરવાનું ટાળવા અને બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓના વર્તનની સકારાત્મક અસર અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વર્કશોપ દરમિયાન વિવિધ પેપર એક્ટિવિટીઝ, વાર્તાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા સમજાવવામાં આવ્યું કે દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ હોય છે. વાલીઓને તેમની વ્યસ્ત જીવનશૈલીમાંથી દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક બાળક માટે ફાળવવા અને તેની લાગણીઓને સમજવા સૂચન કરાયું હતું. ‘Parenting for Peace’ની આ પહેલને વાલીઓ અને બાળકો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બનાવતી અને પરિવારમાં સંવેદનશીલ વાતાવરણ ઊભું કરતી એક પ્રશંસનીય કદમ ગણાવવામાં આવી છે.