માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન, દિલ્હીથી કન્યાકુમારી સુધી યોજાશે મોટરસાયકલ યાત્રા

નવી દિલ્હી/અમદાવાદ: માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચાને હોસ્પિટલો અને ક્લિનિકોથી આગળ વધારીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના હેતુથી રાષ્ટ્રીય અભિયાન “Beyond the Horizon – A Ride for Resilience”નો પ્રારંભ થયો છે. જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા નવી દિલ્હીથી ફ્લેગ ઓફ કરાયેલું આ અભિયાન હરિયાણા અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશ્યું છે.આ અભિયાન 20 ઓગસ્ટથી 15 ઓક્ટોબર 2026 દરમિયાન દિલ્હીથી કન્યાકુમારી અને ત્યાંથી પરત દિલ્હી સુધીની લગભગ બે મહિનાની મોટરસાયકલ યાત્રા સ્વરૂપે યોજાઈ રહ્યું છે. યાત્રા દરમિયાન 50થી વધુ શહેરોની મુલાકાત લઈને 100થી વધુ શાળાઓ, કોલેજો અને સામુદાયિક સ્થળોએ સંવાદ યોજવામાં આવશે. Pehchanના નેજા હેઠળ આયોજિત આ અભિયાનમાં Mariwala Health Initiative (MHI) મુખ્ય પ્રાયોજક અને Population Foundation of India (PFI) સહ-પ્રાયોજક તરીકે જોડાયા છે.આ અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ, મોટિવેશનલ સ્પીકર અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સેહર હાશ્મી કરી રહ્યા છે. એક દાયકા સુધી ગંભીર માનસિક સ્વાસ્થ્ય પડકારોનો સામનો કર્યા બાદ સ્વસ્થ થયેલા સેહર હાશ્મી પોતાની Royal Enfield મોટરસાયકલ પર 6 સભ્યોની સપોર્ટ ટીમ સાથે આ યાત્રા કરી રહ્યા છે. તેઓ પોતાના અનુભવો શેર કરીને યુવાનો અને નાગરિકોમાં માનસિક સ્વાસ્થ્ય અંગેનો કલંક, તણાવ, પેનિક એટેક અને યોગ્ય સમયસર મદદ લેવાની ટેવ વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે.

યાત્રા દરમિયાન માહિતીપ્રદ સામગ્રી અને ચકાસાયેલ હેલ્પલાઇન ડિરેક્ટરીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. સેહર સ્પષ્ટ કરે છે કે તેઓ તબીબી નિષ્ણાત નથી, પરંતુ પોતાના જીવનના અનુભવથી લોકોને માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લેઆમ વાત કરવા અને લાયકાત ધરાવતા વ્યાવસાયિકો પાસેથી મદદ લેવા માટે પ્રેરિત કરે છે.