તિબેટ-નેપાળ સરહદે 50 લાખ ક્યુબિક મીટર પાણીનું તળાવ ફાટવાની આરે

તિબેટમાં ગ્લેશિયર તૂટી પડવા અને ભૂસ્ખલનના કારણે નેપાળ અને ચીનની સરહદી ભોટેકોશી નદીમાં આવેલ ભયાનક પૂર બાદ હવે વધુ એક મોટી તબાહીનો ખતરો મંડરાઈ રહ્યો છે. તિબેટ અને નેપાળ સરહદ નજીક છોચેન ખોલા અને પુરેપુ સાંગપો નદીઓના સંગમ પર એક વિષાળ કુદરતી કૃત્રિમ તળાવ (બેરિયર લેક) બની ગયું છે, જે ગમે ત્યારે ફાટી શકે છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે ચેતવણી જાહેર કરી છે કે આગામી 72 કલાક નેપાળ અને આસપાસના વિસ્તારો માટે અત્યંત જોખમી છે.

રિપોર્ટ મુજબ, ગુરુવાર સવાર સુધીમાં આ તળાવમાં આશરે 20 લાખ ઘન મીટર પાણી જમા થઈ ચૂક્યું છે અને તે ઓવરફ્લો થઈ રહ્યું છે. આગામી ત્રણ દિવસમાં તેમાં વધુ ૩૦ લાખ ઘન મીટર પાણી ઉમેરાવાની ધારણા છે. જો આ કુદરતી બંધ તૂટશે તો ૫૦ લાખ ક્યુબિક મીટર પાણીનો પ્રચંડ પ્રવાહ નીચાણવાળા વિસ્તારો, ગ્યોરોંગ પોર્ટ અને નેપાળના ત્રિશુલી રિવર સિસ્ટમ તરફ ભારે વિનાશ નોતરશે.

ચીનના જળ મંત્રાલય દ્વારા સેટેલાઈટ અને રિયલ-ટાઈમ સિમ્યુલેશન દ્વારા તળાવ પર કડક નજર રાખવામાં આવી રહી છે. દરમીયાન, પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ચીનના વડાપ્રધાન લી કિયાંગે પૂર પ્રભાવિત તિબેટના ગ્યોરોંગ ટાઉનશિપ વિસ્તારની મુલાકાત લીધી હતી અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. બચાવ કામગીરી માટે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટે તિબેટમાં ગ્લેશિયર ખસવાને કારણે આવેલ ફ્લેશ ફ્લડથી નેપાળ અને તિબેટ વિસ્તારમાં ભારે તબાહી મચી છે, જેમાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે અને 1300થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં બેરિયર લેક ફાટવાનો ખતરો બચાવ ટુકડીઓ અને સ્થાનિક લોકો માટે મોટો ચિંતાનો વિષય બન્યો છે.