નવી દિલ્હીઃ કેરળમાં ઝિકા વાઇરસનો પહેલો કેસ નોંધાયો છે. રાજ્યમાં 19 વધુ લોકોને ઝિકા વાઇરસ સંક્રમિત હોવાની આશંકાએ તેમનાં સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV)માં મોકલવામાં આવ્યા છે. મચ્છર કરડવાથી થતી આ બીમારીથી 24 વર્ષીય એક ગર્ભવતી મહિલા કેરળમાં સંક્રમિત મળી છે. તિરુવનંતપુરમમાં એ વાઇરસના 13 શંકાસ્પદ કેસો મળ્યા છે. સરકાર પુણે સ્થિત NIV પાસેથી તેમના રિપોર્ટની પુષ્ટિની રાહ જોઈ રહી છે, એમ રાજ્યનાં આરોગ્યપ્રધાન વીણા જયોર્જે માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે તિરુવનંતપુરમના 19 નમૂનાઓ મોકલવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર સહિત 13 આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ છે. તેમને ઝિકાથી સંક્રમિત હોવાની શંકા છે. ઝિકા સંક્રમિત મહિલા તિરુવનંતપુરમની પારસ લેનની રહેવાસી છે. તેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેણે સાતમી જુલાઈએ બાળકને જન્મ આપ્યો હતો. તેને તાવ, માથાનો દુખાવો અને શરીર પર લાલ નિશાન પડવાને કારણે 28 જૂને હોસ્પિટલમાં દાકલ કરવામાં આવી હતી. એ હોસ્પિટલમાં કરવામાં આવેલી તપાસમાં તે ઝિકાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી તથા તેના નમૂનાને પુણેની NIVને મોકલવામાં આવ્યા છે. મહિલાની સ્થિતિ સંતોષજનક છે.
ઝિકા વાઇરસથી સંક્રમિત હોવાનાં લક્ષણો ડેગુ જેવાં હોય છે, જેમાં તાવ આવવો, શરીર પર ચકામાં પડવા અને સાંધાઓમાં દુખાવો થાય છે.