ગોરખનાથ-મઠના મહંત યોગી આદિત્યનાથ બીજીવાર મુખ્યપ્રધાનપદે સત્તારૂઢ

લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને આજે અહીં ભારત રત્ન શ્રી અટલબિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બીજી મુદત માટે શપથ લેવડાવ્યાં હતાં. સાધુમાંથી નેતા બનેલા યોગી પાંચ વર્ષની પહેલી મુદત પૂરી કર્યા બાદ સતત બીજી મુદત માટે મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવેલા ઉત્તર પ્રદેશના પહેલા જ નેતા છે.

આદિત્યનાથની સરકારમાં અગાઉની જેમ બે નાયબ મુખ્ય પ્રધાન છે. એમની સાથે એમના ડેપ્યૂટી તરીકે કેશવપ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે પણ શપથ લીધા હતા. મૌર્યની પણ આ બીજી ઈનિંગ્ઝ છે, જોકે એ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા. જ્યારે પાઠકની આ પહેલી ઈનિંગ્ઝ છે. ગઈ વેળાની સરકારમાં દિનેશ શર્મા નાયબ મુખ્ય પ્રધાન હતા. આદિત્યનાથના પ્રધાનમંડળમાં પછાત અને દલિત સભ્યોની સંખ્યા વધારે છે.

નવી સરકારમાં જૂની સરકારના 23 પ્રધાનોને પડતા મૂકી દેવાયા છે. 53 નવા પ્રધાનો છે. એમાં એક શીખ છે – બલદેવસિંહ ઔલખ અને એક મુસ્લિમ છે – દાનિશ આઝાદ. અગાઉની સરકારના મોહસિન રઝાની જગ્યાએ દાનિશ આઝાદને પસંદ કરાયા છે. ભાજપના સહયોગી અપના દલના આશિષ પટેલ અને નિશાદ પાર્ટીના ડો. સંજય નિશાદને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

403 બેઠકોની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપે 273 બેઠક જીતીને સંપૂર્ણ બહુમતી હાંસલ કરી હતી. આદિત્યનાથનું મૂળ નામ અજયસિંહ બિશ્ટ છે. એમનો જન્મ ઉત્તરાખંડના ગામમાં થયો હતો. 1990માં એમણે રામમંદિર આંદોલનમાં જોડાવા ઘર છોડી દીધું હતું. એ ઉત્તર પ્રદેશના ગોરખપુરના ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથના શિષ્ય બન્યા હતા અને યોગી આદિત્યનાથ નામ ધારણ કર્યું હતું. 2014માં અવૈદ્યનાથના નિધન બાદ આદિત્યનાથ ગોરખનાથ મઠના વડા બન્યા હતા. તે પદ તેઓ હજી પણ ધરાવે છે.