હરિદ્વારઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિ યોગપીઠમાં યોગાભ્યાસ કર્યો હતો. તેમણે યોગાનો પ્રારંભ સવારે પાંચ કલાકે કર્યો હતો, જેમાં તેમની સાથે તેમના 10,000 ફોલોઅર્સે પણ વિવિધ યોગનાં આસનો કર્યાં હતાં. તેમણે સવારે આઠ કલાકે યોગાસનો કર્યાં હતાં. આ યોગનું જીવંત પ્રસારણ થયું હતું, જેમાં તેમના વૈશ્વિક અનુયાયીઓએ યોગાસનો કર્યાં હતાં.
દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે, ત્યારે આપણે આપણા શરીરને રોગમુક્ત રાખવું જોઈએ અને દરરોજ આ ચારથી પાંચ યોગનાં આસનો કરવાં જોઈએ, એમ રામદેવે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે યોગ શારીરિક, માનસિક, આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક માગ છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ દરેક માટે જરૂરી છે, પણ લોકોને તેમણે કોઈ ધર્મ કે રાજકીય પક્ષ સાથે નહીં સાંકળવા વિનંતી કરી હતી. કેટલાક લોકો યોગને ધર્મ સાથે જોડવાનો એજન્ડા ચલાવી રહ્યા છે, પણ હું રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષના તમામ નેતાઓને વિનંતી કરું છું કે યોગા કરો, કેમ કે એ આધ્યાત્મિક પ્રવૃત્તિ છે, એમ તેમણે કહ્યું હતું.
યોગ દિવસ પર પતંજલિએ દેશભરમાં 75 મુખ્ય સ્થળો, 500 જિલ્લાઓ અને 500 તાલુકાઓમાં આશરે 20 કરોડ લોકોને યોગથી જોડ્યા હતા. તેમણે વિશ્વમાં યોગને માન્યતા અપાવવા માટે અને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.