વિશ્વમાં સૌથી સસ્તાં પેટ્રોલ-ડીઝલ ભારતમાં: હરદીપ સિંહ પૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે હાલની વૈશ્વિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતોને ધ્યાનમાં લેતાં અન્ય દેશોની તુલનામાં ભારતમાં પેટ્રોલની કિંમતો સૌથી ઓછી છે. વર્ષ 2021-22ના સમયગાળામાં ભારતમાં પેટ્રોલની કિંમતોમાં માત્ર બે ટકાનો વધારો થયો છે. જોકે એ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલની કિંમતોમાં ભારે વધારો થયો છે.

ગુરુવારે પ્રશ્નકાળમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાંક રાજ્યોએ કેન્દ્ર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા પછી વેચમાં ઘટાડો કર્યો હતો, જ્યારે કેટલાંક વિપક્ષ શાસિત રાજ્યોએ આવું નહોતું કર્યું છે. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કે અને ઝારખંડે વેટમાં કાપ નહોતો કર્યો. કેન્દ્ર સરકાર વાજબી સ્તરે કિંમતો જાળવી રાખવા માટે નવેમ્બર, 2021 અને મે,2022માં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મને જણાવતાં આનંદ થાય છે કે કેટલાંક રાજ્યોએ વેટમાં કાપ મૂક્યો હતો, કેટલાંક રાજ્યો રૂ. 17ના દરે વેટ વસૂલ કરી રહ્યાં હતાં, જ્યારે કેટલાંક રાજ્યો- ખાસ કરીને બિન ભાજપ શાસિત રાજ્યો રૂ. 32ના દરે વેટ વસૂલી કરી રહ્યાં છે.

આજે ભારતમાં પેટ્રોલની કિંમતો સૌથી ઓછી. ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમતોમાં 102 ટકાનો વધારો થયો છે, જે નવેમ્બર 2020 અને નવેમ્બર, 2022ની વચ્ચે 43.34 ડોલરથી વધીને 87.55 ડોલર થઈ છે. એ 102 ટકા વધી છે, જ્યારે પેટ્રોલની રિટેલમાં કિંમત 18.95 ટકા વધી છે.