નવી દિલ્હીઃ ભારતના આરોગ્ય ક્ષેત્રના વિકાસ વૃદ્ધિ માટે ભારત સરકાર અને વિશ્વ બેન્ક વચ્ચે એક કરાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિશ્વ બેન્ક ભારતને 50-50 કરોડ ડોલરની બે પૂરક લોન આપશે. વિશ્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ 1 અબજ ડોલરનું ધિરાણ ભારતની પ્રમુખ યોજના ‘પ્રધાનમંત્રી-આયુષમાન ભારત પાયાભૂત સુવિધા’ (PM-ABHIM)ને બળ પૂરું પાડવા માટે આપવામાં આવશે, જેથી ભારતભરમાં જાહેર આરોગ્ય પાયાભૂત સેવામાં સુધારો થશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રમાં ભારતના દેખાવમાં સુધારો આવ્યો છે. વિશ્વ બેન્કના અંદાજો મુજબ, ભારતમાં લાઈફ એક્સપેક્ટેન્સી એટલે કે સંભવિત જીવનકાળ દરમાં વધારો નોંધાયો છે. આ દર 2020માં જે 58 હતો, તે 2023માં વધીને 70.42 થયો છે.
