લખનઉ – ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB)એ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના ટ્રિપલ તલાક પ્રથા પર પ્રતિબંધ મૂકતા ખરડાને મહિલાઓ વિરોધી છે એમ કહીને આજે નકારી કાઢ્યો છે.
AIMPLBની આજે અહીં મળેલી બેઠકમાં ઉક્ત ખરડાને નકારી કાઢવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના સભ્યોએ એવો નિર્ણય લીધો હતો કે કેન્દ્ર સરકારે સિનિયર મૌલવીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ ટ્રિપલ તલાક ખરડા મામલે આગળ વધવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પત્નીઓને ત્રણ વાર મૌખિક રીતે તલાક બોલીને છૂટાછેડા આપવાની મુસ્લિમ પતિઓને પરવાનગી આપતી જૂની પ્રથા પર પ્રતિબંધ મૂકતા ખરડાને કેન્દ્રીય પ્રધાનમંડળે ગયા અઠવાડિયે મંજૂરી આપી દીધી હતી. હવે આ ખરડાને લોકસભામાં રજૂ કરવામાં આવનાર છે.
AIMPLBના સજ્જાદ નોમાનીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીશું કે આ ખરડાને હાલપૂરતો અટકાવી રાખે, કારણ કે આ ખરડો તૈયાર કરતી વખતે કોઈ પ્રક્રિયાનું અનુસરણ કરવામાં આવ્યું નથી.
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું કહેવું છે કે ટ્રિપલ તલાક પ્રતિબંધ ખરડો મહિલાઓ વિરોધી છે અને તે પરિવારોને ખલાસ કરી નાખશે.
ઈન્સ્ટન્ટ તલાકની પ્રથા વિરુદ્ધના ખરડાનો વિરોધ કરવા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આજે તાકીદની બેઠક બોલાવી હતી. એમાં વિવાદાસ્પદ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ હાજરી આપી હતી.
નવો ખરડો ‘ધ મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બિલ, 2017’ તરીકે ઓળખાય છે. આ ખરડામાં પત્નીને ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપનાર મુસ્લિમ પતિને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ ફટકારવાની જોગવાઈ છે. આ ગુનો બિન-જામીનપાત્ર ગણવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ગયા ઓગસ્ટમાં 3 વિરુદ્ધ 2 મતથી ટ્રિપલ તલાક પ્રથાને ગેરકાયદેસર અને ગેરબંધારણીય જાહેર કરતો ચુકાદો આપ્યો હતો.