હિમાચલ પ્રદેશના નવા મુખ્યપ્રધાન તરીકે જયરામ ઠાકુરની પસંદગી

શિમલા – હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોએ રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે જયરામ ઠાકુરને પસંદ કર્યા છે. ઠાકુર હિમાચલ પ્રદેશ ભાજપમાં સિનિયર નેતા છે. એ પાંચમી વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા છે.

હાલમાં જ સમાપ્ત થયેલી ચૂંટણીમાં ભાજપે કુલ 68માંથી 44 બેઠક જીતી હતી અને કોંગ્રેસને 21 બેઠક મળી છે.

બાવન વર્ષીય જયરામ ઠાકુરને વહીવટીતંત્રનો તેમજ સંસ્થાકીય કામકાજનો સારો એવો અનુભવ છે.

રાજ્યમાં ભાજપની અગાઉની સરકાર વખતે ઠાકુર એક પ્રધાન તરીકે હતા. 2006-2009 વચ્ચેના સમયગાળામાં એ ભાજપના હિમાચલ પ્રદેશ એકમના પ્રમુખ હતા.

2013માં, હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભાની બેઠકની પેટા-ચૂંટણીમાં એ ઊભા રહ્યા હતા, પણ કોંગ્રેસના વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ સામે હારી ગયા હતા.

આ વખતની ચૂંટણીમાં ભાજપે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રેમકુમાર ધુમલનું નામ જાહેર કર્યું હતું, પણ તે ચૂંટણીમાં હારી ગયા હતા, પરિણામે પાર્ટીને જયરામ ઠાકુરની પસંદગી કરવી પડી છે. ભાજપની અગાઉની સરકારનું નેતૃત્વ ધુમલે સંભાળ્યું હતું અને જયરામ ઠાકુર એ સરકારમાં પ્રધાન હતા. ઠાકુરને ભાજપની પિતૃસંસ્થા આરએસએસનો ટેકો છે.