ડેરેક ઓબ્રાયન (TMC સાંસદ)નો અમિત શાહને પડકાર

નવી દિલ્હીઃ સંસદમાં હાલ ચાલી રહેલા ચોમાસું સત્રમાં વિરોધપક્ષોએ અનેક મુદ્દે હોબાળો મચાવ્યો છે ત્યારે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના સંસદસભ્ય ડેરેક ઓબ્રાયને એવું નિવેદન કર્યું છે કે, ‘કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જો આજે સંસદમાં આવશે અને દિલ્હીના બળાત્કાર કેસ વિશે નિવેદન કરશે તો હું મારું માથું મૂંડાવી દઈશ.’ ઓબ્રાયને અમિત શાહ પર એવો આરોપ પણ મૂક્યો છે કે તેઓ પેગાસસ જાસૂસી વિવાદમાં વિપક્ષ સાથે ચર્ચા કરવાથી દૂર ભાગે છે. ‘મેં અમિત શાહને સંસદમાં જોયા નથી. મેં પીએમ નરેન્દ્ર મોદીને સંસદમાં નથી જોયા. દિલ્હીમાં 9 વર્ષની દલિત બાળકી પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. શું ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં આવીને આ વિશે સવાલના જવાબ આપવા ન જોઈએ? જો અમિત શાહ આજે લોકસભા કે રાજ્યસભામાં આવશે અને દિલ્હીમાં બાળકી પર થયેલા બળાત્કારના મામલે નિવેદન કરશે તો હું તમારા કાર્યક્રમમાં મારું માથું મૂંડાવી દઈશ,’ એમ ઓબ્રાયને ઈન્ડિયા ટુડેના કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

ઓબ્રાયને કહ્યું કે 15-16 વિરોધ પક્ષો અનેક મુદ્દાઓ પર સંસદમાં સરકાર સાથે ચર્ચા કરવા ઈચ્છે છે. અમે ઈચ્છીએ છીએ કે કૃષિ કાયદાઓ રદ કરાય, તેમજ અર્થતંત્ર, નોકરીઓ, મોંઘવારી, રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થાય.