ભાલાફેંકઃ એથ્લેટિક્સમાં મેડલની આશા અપાવતો નીરજ ચોપરા

ટોક્યોઃ અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં આજે પુરુષોની ભાલાફેંક (જેવેલીન થ્રો) રમતમાં યોજાઈ ગયેલા ક્વાલિફિકેશન રાઉન્ડમાં ભારતના નીરજ ચોપરાએ ખૂબ દૂર સુધી ભાલો ફેંકીને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ફાઈનલમાં ભાગ લેવા માટે ક્વાલિફાઈ થયો છે. ગ્રુપ-Aમાં રહેલા નીરજે 86.65 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો. આ રમતનો ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ ગણાતા જર્મનીના જોહાનીસ વેટર કરતાં પણ દૂર નીરજે ભાલો ફેંક્યો હતો. વેટર 85.64 મીટર દૂર સુધી ભાલો ફેંકી શક્યો હતો. પુરુષોની જેવેલીન થ્રો રમતનો ફાઈનલ રાઉન્ડ 7 ઓગસ્ટે યોજાશે – ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યે.

23 વર્ષનો નીરજ ચોપરા આ રમતનો જુનિયર વર્લ્ડ ચેમ્પિયન છે. તેણે આજે એના પહેલા જ પ્રયાસમાં 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ઓટોમેટિક ક્વાલિફાઈંગ નિશાન 83.50 મીટર રખાયું છે. આમ, નીરજ જો ફાઈનલ રાઉન્ડમાં પણ તેનો આવો જોરદાર દેખાવ કરશે તો ભારતને એથ્લેટિક્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડ રમતોમાં જેવેલીન થ્રોમાં પહેલી જ વાર ઓલિમ્પિક મેડલ મળશે. નીરજનો રાષ્ટ્રીય વિક્રમ છે 88.07 મીટર, જે તેણે આ વર્ષના માર્ચ મહિનામાં ઈન્ડિયન ગ્રાં પ્રી સ્પર્ધામાં નોંધાવ્યો હતો.