હૈદરાબાદઃ કેન્દ્રીય પ્રધાન અને તેલંગણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જી. કિશન રેડ્ડીએ આજે કહ્યું કે જો એમની પાર્ટી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવીને સત્તા પર આવશે તો હૈદરાબાદ શહેરનું નામ બદલીને ભાગ્યનગર કરશે. રેડ્ડીએ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘મદ્રાસ, બોમ્બે અને કલકત્તા શહેરોના નામ બદલવામાં આવ્યા છે તેમ હૈદરાબાદનું નામ પણ બદલવામાં આવશે.’
રેડ્ડીએ પત્રકારોને સામો સવાલ કર્યો હતો કે, ‘હૈદર કોણ હતો? શું આપણે હૈદરના નામની જરૂર છે ખરી? હૈદર ક્યાંથી આવ્યો હતો? હું પૂછું છું કે હૈદરની જરૂર કોને છે? જો ભાજપા સત્તા પર આવશે તો હૈદર હટાવી દઈશું અને શહેરનું નામ બદલીને ભાગ્યનગર કરીશું. શા માટે નામ બદલવું ન જોઈએ? અમે સત્તા પર આવીશું તો ગુલામીની માનસિકતાને સંપૂર્ણપણે બદલી નાખશું.’