નવી દિલ્હીઃ તેલંગાણામાં લોકસભા ચૂંટણીએ આ વખતે કે ચંદ્રશેખરની BRSના સૂપડાં સાફ થઈ ગયાં છે. સૂપડાં સાફ થયા પછી રાજ્યમાં BRS નબળી પડી છે. હવે સમાચાર આવ્યા છે કે કે ચંદ્રશેખરની પાર્ટી કોઈ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરે એવી શક્યતા છે, ત્યારે પક્ષમાં ફરી સંચાર થયો છે.
BRS ભાજપ સાથે ગઠબંધન કરે એવી શક્યતા છે. જોકે એનું કોઈ ઔપચારિક એલાન નથી થયું, પણ BRSનું એક જૂથ અને ભાજપના કેટલાક નેતાઓ અટકળોને બળ દેવાનું કામ કરી રહ્યા છે. કેટલાક દિવસો પહેલાં ચંદ્રશેખરના પુત્ર અને નેતા ટી રામારાવ દિલ્હી આવ્યા હતા અને તેમણે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હોવાના અહેવાલ છે. એ મુલાકાતોએ ગઠબંધનની ચર્ચાને મજબૂત કરી છે, પણ પાર્ટીના કેટલાક નેતાઓ એ ગઠબંધનને આત્મઘાતી સાબિત થવાનું માની રહ્યા છે.
બીજી બાજુ, ભાજપના કેટલાક નેતાઓ તેલંગાણાને લઈને સકારાત્મક છે અને તેમને લાગે છે કે પાર્ટીનો રાજ્યમાં સારો વિસ્તાર થઈ શકે છે, કેમ કે પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં તેલંગાણામાં આઠ સીટો જીતી છે.
બીજી બાજુ ભૂતપૂર્વ લોકસભા સાંસદ બી વિનોદકુમારનું કહેવું છે કે કોઈ પણ વાતને નકારી ના શકાય. વળી, રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે.હવે હાલમાં તેલંગાણામાં એક અલગ પ્રકારનો રાજકીય મિજાજ દેખાઈ રહ્યો છે, જ્યાં જરૂર પડવા પર ગઠબંધનની કવાયત પણ દેખાઈ રહી છે અને બીજી તરફ પાર્ટીની ફરીથી બેઠા થવાના પ્રયાસ પણ જારી છે.