નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચે ઊજવવામાં આવે છે. મહિલા દિવસની શરૂઆત આમ તો 1908માં થઈ હતી, પણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1975માં માન્યતા આપવામાં આવી હતી. દર વર્ષે મહિલા દિવસને અલગ-અલગ થિમ પર મનાવવામાં આવે છે. વર્ષે મહિલા દિવસની થિમ ”I am Generation Equality: Realizing Women’s Rights” ( હું જાતિ સમાનતામાં માનું છું: મહિલાઓના અધિકારની અનુભૂતિ કરું છું)’ છે. જેનો અર્થ મહિલાઓને તેમના હકો પ્રત્યે જાગ્રત કરવાનો અને જેન્ડર ઇક્વાલિટી (જાતિ સમાનતા) પર વાત કરવાનો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પ્રારંભ
1908માં એ મજૂર આંદોલન પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત થઈ હતી. વાસ્તવમાં ન્યુ યોર્કમાં અનેક મહિલાઓએ મોરચો કાઢીને નોકરીના કલાકો ઓછા કરવાની અને પગાર વધારવાની માગ કરી હતી. મહિલાઓને એ આંદોલનમાં સફળતા મળી અને એના પછીના વર્ષે સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યો
આઠ માર્ચે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
1917માં પહેલા વિશ્વ યુદ્ધ દરમ્યાન રશિયાની મહિલાઓએ બ્રેડ અને પીસ માટે હડતાળ કરી હતી. મહિલાઓએ તેમની હડતાળ દરમ્યાન તેમના પતિઓની માગને ટેકો આપવા માટે ના પાડી દીધી અને યુદ્ધને છોડવા માટે રાજી કરી લીધા. ત્યાર બાદ ત્યાંના સમ્રાટ નિકોલેસે તેમનું પદ છોડવું પડ્યું હતું અને છેવટે મહિલાઓને મતદાનનો અધિકાર પણ આપવામાં આવ્યો. રશિયાની આ મહિલાઓ દ્વારા 28 ફેબ્રુઆરીએ આ વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે યુરોપમાં મહિલાઓએ આઠ માર્ચે પીસ ચળવળકારોને ટેકો આપવા રેલીઓ કાઢી હતી. આને કારણે આઠ માર્ચે આંરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત થઈ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું શું મહત્ત્વ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મુખ્યત્વે મહિલાઓ દ્વારા અલગ-અલગ ક્ષેત્રોમાં તેમના યોગદાનના લીધે મનાવવામાં આવે છે. આ સિવાય મહિલાઓ લઈને સમાજના લોકોને જાગ્રત કરવા, મહિલાઓને તેમના અધિકારો પ્રતિ જાગરૂક કરવા અને તેમને પ્રેરિત કરવા આ દિવસ મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે મહિલા દિવસે અલગ-અલગ થિમ રાખવામાં આવે છે.