રાજકીય મામલાઓમાં CBIની કાર્યશૈલી અંગે CJI રંજન ગોગોઈએ સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી- ભારતના મુખ્ય ન્યાયધીશ (CJI) રંજન ગોગોઈએ રાજકીય રીતે સંવેદનશીલ મામલાઓમાં સીબીઆઈની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા. એક કાર્યક્રમમાં સીજેઆઈએ સવાલ કર્યો કે , એવું કેમ થાય છે કે જ્યારે કોઇ કેસમાં રાજકીય રંગ નથી હોતો ત્યારે સીબીઆઇ સારું કામ કરે છે. સીજેઆઇ રંજન ગોગોઇ બે વર્ષ બાદ યોજાયેલા ડીપી કોહલી સ્મારક વ્યાખ્યાનના 18માં સંસ્કરણમાં એજન્સીની ખામીઓ અને શક્તિ અંગે સ્પષ્ટ વાત કરી અને તેને આગળ વધારવાની સલાહ પણ આપી હતી.

સીજેઆઇ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે, સીબીઆઇએ કાયદાકીય અધિકારોને મજબૂત કરવા જોઇએ, જેના માટે સંસ્થાગત માળખુ, કાર્યપ્રણાલીની રીત, શક્તિઓ, જવાબદારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. સીબીઆઇનું નિયંત્રણ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-1946 હેઠળ કરવામાં આવે છે, જેને પગલે રાજકીય હથિયાર તરીકે એજન્સીનો ઉપયોગ થવાની સંભાવના રહેતી હોય છે. આ ઉપરાંત સીજેઆઈ રંજન ગોગોઈએ સીબીઆઈને નિયંત્રક અને CAGની બરાબરનો એક વૈધાનિક દરજ્જો આપવા અંગે પણ સૂચન કર્યું.

સીજેઆઇએ વધુમાં જણાવ્યુ હતું કે, એવું કેમ થાય છે કે જ્યારે કોઇ કેસમાં રાજકીય રંગ નથી હોતો ત્યારે સીબીઆઇ સારું કામ કરે છે. એમાં કોઇ બે મત નથી કે આ સંસ્થામાં કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે પ્રયાપ્ત ક્ષમતા છે. તપાસ દરમિયાન એજન્સી એ ના જુએ કે કોઇ વ્યક્તિનો દરજ્જો શું છે. સુપ્રીમ કોર્ટે વ્યાપક રાજકીય હસ્તક્ષેપથી સીબીઆઇની કાર્યપ્રણાલીને બચાવવા માટે ગાઇડલાઇન પણ જાહેર કરી છે.

સીબીઆઇના ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, ગૂંચવળ ભરેલા કેસમાં જ્યારે પણ નિષ્પક્ષ સુનાવણીની માગ થાય છે ત્યારે લોકો સીબીઆઇ તપાસની માગણી કરે છે. એજન્સીને સરકાર, ન્યાયતંત્ર અને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત છે.

ગોગોઈએ સીબીઆઈમાં ખાલી પડેલ જગ્યાઓ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તપાસ એજન્સીમાં 15 ટકા કાર્યકારી પદ ખાલી છે. આ ઉપરાંત ટેક્નિકલ યુનિટ્સમાં 28 ટકા અને કાનૂની વિભાગમાં 50 ટકા જગ્યાઓ ખાલી છે. તેઓએ કહ્યું કે આ કારણથી કામનું ભારણ વધે છે તેમજ તપાસ પ્રક્રિયાઓને પ્રભાવિત કરે છે.