સિદ્ધુ મૂસેવાળાની હત્યા કરનાર ગોલ્ડી બ્રાર છે કોણ?

નવી દિલ્હીઃ પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાળાની હત્યા પછી ગેન્ગસ્ટર ગોલ્ડી બ્રારે આ ઘટનાની જવાબદારી લીધી છે. પંજાબના માનસામાં અજાણ્યા લોકોએ કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરી હતી. ગઈ કાલે સિદ્ધુ મૂસેવાલાની 30થી વધુ ગોળીઓ મારીને હત્યા કરનાર ગોલ્ડી બ્રાર પર પંજાબ પોલીસે ડોઝિયર તૈયાર કર્યું છે. આ ડોઝિયર મુજબ ગોલ્ડી બ્રારનું સતવિન્દર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારનો જન્મ 1994માં થયો હતો અને તે BA પાસ છે. આ ડોઝિયરમાં પાંચ અલગ-અલગ ફોટો છે. આ ફોટો જોઈને અંદાજ માંડી શકાય છે કે ગોલ્ડ બ્રાર સમયાંતરે તેનું રૂપ બદલતો રહે છે. તે A+ કેટેગરીનો ગેન્ગસ્ટર છે અને કોર્ટે એને ભાગેડુ જાહેર કર્યો છે.

આ ડોઝિયરમાં પંજાબના કુખ્યાત ગેન્ગસ્ટર ગોલ્ડી બ્રારના 12 સાથીઓ વિશે પણ માહિતી છે, જેમાં લોરેન્સ બિશ્નોઇનું નામ છે. એમાં રાજસ્થાનના ગેન્ગસ્ટર સંપત નેહરાનું નામ પણ છે. આ એ જ નેહરા છે, જે 2018માં મુંબઈમાં સલમાન ખાનના ઘરે પહોંચ્યો હતો.

ગોલ્ડી બ્રારની સામે હત્યા, હત્યાના પ્રયાસ, હપતા વસૂલાત જેવા ગંભીર કેસ નોંધાયેલા છે. ગોલ્ડીની સામે પંજાબમાં કુલ 16 ગુનાઇત કેસો નોંધાયેલા છે, જ્યારે ચાર કેસ એવા છે, જેમાં તે છૂટી ગયો છે. લોરેન્સના જેલ ગયા પછી હવે સતવિંદરજિત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે કેનેડામાં બેસીને ગેન્ગનું નેતૃત્વ સંભાળી લીધું હતું.