નવી દિલ્હી- સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈ બુધવારથી શરુ થઈ રહ્યું છે. અન્ય ઘણા કારણો ઉપરાંત આ સત્ર એટલા માટે પણ મહત્વનું છે કારણકે આ સત્ર લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું અંતિમ સંસદ સત્ર હોવાની પણ અટકળો લગાવવામાં આવી રહી છે.રાજકીય પંડીતોનું માનીએ તો, આ અટકળો અસ્થાને નથી. કારણકે વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ અને નેતાઓની સક્રિયતા જોતાં આ સંકેત સાચા માનવામાં આવી રહ્યાં છે. બહુજન સમાજપાર્ટીના સુપ્રીમો માયાવતીએ ગતરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે અશાંકા વ્યક્ત કરી હતી. જો ખરેખર આ સાચું હશે તો ચોમાસા સત્ર પછી મોદી સરકાર માટે શિયાળુ સત્રની તક રહેશે નહીં. અને કેન્દ્ર સરકાર સમયાવધી પહેલાં જ લોકસભા ચૂંટણીની ભલામણ કરી શકે છે.
જોકે કોંગ્રેસ સહિતના મોટાભાગના વિરોધ પક્ષો ‘એક દેશ એક ચૂંટણી’નો વિરોધ કરી રહ્યાં છે. જો પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટી ખરેખર આ દિશામાં આગળ વધવા ઇચ્છે છે, તો તેમની પાસે કેટલાક મહિનાઓ બાદ સારી તક રહેલી છે. જેથી વર્ષના અંતમાં તેઓ એક સાથે લોકસભાની ચૂંટણી અને દેશના લગભગ અડધા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજી શકે છે.
ભારતીય જનતા પાર્ટી શાસિત ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ઉપરાંત મિઝોરમમાં પણ રાજ્ય સરકારનો કાર્યકાળમાં જાન્યુઆરી 2019માં પૂર્ણ થઈ રહ્યો છે. વધુમાં મે-2019માં કેન્દ્રની મોદી સરકારનો કાર્યકાળ પણ સમાપ્ત થશે. જેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે, એકસાથે ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકાર આ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે જ લોકસભા ચૂંટણી પણ કરાવી શકે છે.