જમ્મુ-કશ્મીર: કુપવાડા અથડામણમાં એક આતંકી ઠાર, બે જવાન ઘાયલ

શ્રીનગર- સરહદ પારથી જમ્મુ-કશ્મીરમાં કરવામાં આવતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે સવારે નિયંત્રણ રેખા નજીક જમ્મુ-કશ્મીરના કુપવાડામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. જ્યારે સેનાના બે જવાન ઘાયલ થયા હતા. ઘટનાસ્થળેથી એકે-47 રાયફલ પણ મળી આવી છે.આ પહેલા 11 જુલાઈના રોજ ઉત્તર કશ્મીર વિસ્તારમાં કુપવાડા જિલ્લાના કાંડી જંગલના વિસ્તારમાં એક એન્કાઉન્ટર દરમિયાન ભારતીય સેનાના સિપાહી મુકુલ મીનાને ગોળી વાગવાથી તેઓ ગંભીર રુપે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે દુર્ગમૂલાની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઉપરાંત ગત 13 જુલાઈના રોજ જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી ઉપર આતંકીઓએ હુમલો કર્યો હતો. અહીંના અચબલ ચોક વિસ્તારમાં આતંકીઓએ 10 મિનિટ સુધી CRPFની ટીમ પર સતત ફાયરિંગ કર્યું હતું. અને ભાગી છુટ્યા હતા. આ ફાયરિંગમાં બે જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જે સારવાર દરમિયાન શહીદ થયા હતા. જ્યારે અન્ય બે જવાનો હજી પણ સારવાર હેઠળ છે.