ક્યાં છે હેમંત સોરેન?: 36 લાખ રોકડ, BMW જપ્ત

નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધતી જાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ જમીન છેતરપિંડી મામલામાં મની લોન્ડરિંગ તપાસ સંબંધે પૂછપરછ કરવા માટે મુખ્ય મંત્રી હેમંત સોરેન દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.

EDની ટીમે એ દરમ્યાન તપાસ કરી હતી, જેમાં સોરેનની BMW કાર, રૂ. 36 લાખ રોકડ અને દસ્તાવેજ તપાસ એજન્સી સાથે લઈ ગઈ હતી. તેઓ ચાર્ટર્ડ પ્લેનથી રાંચીથી દિલ્હી આવ્યા હતા. એ અત્યાર સુધી દિલ્હી એરપોર્ટ પર ઊભેલું છે. તેઓ રવિવારે દિલ્હીના નિવાસસ્થાનેથી ચાલ્યા ગયા હતા.

સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા 24 કલાકથી લાપતા છે, જ્યારે તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાએ કહ્યું હતું કે મુખ્ય મંત્રી સુરક્ષિત છે અને અમે તેમની સાથે સંપર્કમાં છીએ. EDએ દિલ્હી પોલીસને કહ્યું હતું કે હેમંત સોરેનને શોધીને હાજર કરે. સોરેન છેલ્લા 24 કલાકમાં ત્યાં છે, એની કોઈ માહિતી નથી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જમીન કૌભાંડ મામલામાં 20 જાન્યુઆરીએ સોરેનથી રાંચીમાં તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી અને તેમને નવા સમન જારી કરતાં કહ્યું હતું કે તેઓ પૂછપરછ માટે 29 જાન્યુઆરી અથવા 31 જાન્યુઆરીએ- બેમાંથી એક દિવસ આવશે. EDએ કહ્યું હતું કે એ તપાસ માફિયા દ્વારા જમીન માલિકીમાં ગેરકાયદે પરિવર્તનથી જોડાયેલા એક મોટા રેકેટ સંબંધિત છે. એજન્સીએ અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરી છે.