અયોધ્યાનું રામમંદિર ભક્તો માટે 2024ના-જાન્યુઆરીથી ખુલ્લું મૂકાશે

અયોધ્યાઃ 2024ના જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ગર્ભગૃહ સ્થાને રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ એ જ મહિનામાં મંદિર ભક્તો-શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે પત્રકારો સાથેની વાતચીતમાં આ જાણકારી આપી છે. એમણે કહ્યું છે કે મંદિર ધરતીકંપ સામે ઝીંક ઝીલી શકે એવા બાંધકામવાળું હશે. તેમજ 1,000 વર્ષ સુધી અડીખમ રહી શકે એટલું મજબૂત હશે.

આ રામ મંદિર રૂ. 1,800 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યું છે. તેનું 50 ટકા બાંધકામ પૂરું થઈ ગયું છે. મંદિરમાં 392 થાંભલા અને 12 દરવાજા હશે. તે લોખંડના સળીયાના ઉપયોગ વગર બાંધવામાં આવી રહ્યા છે. મોટા પથ્થરોને જોડવા માટે લોખંડને બદલે તાંબાની ચિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2.7 એકર જમીન એરિયા પર ફેલાયેલા મંદિરના બાંધકામમાં રાજસ્થાનમાંથી લવાયેલા ગ્રેનાઈટના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરનું ગર્ભગૃહ એવી રીતે બાંધવામાં આવી રહ્યું છે કે રામનવમીના દિવસે સૂર્યના કિરણો સીધા રામલલાની મૂર્તિ પર પડશે.